ડેપ્યૂટી કલેક્ટર હોવાનું કહી જ્વેલર્સ સાથે 12 લાખની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ડેપ્યૂટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને જ્વેલર્સની દુકાનમાં જઈ સોનાના દાગીનાની ખરીદી કરી ખોટા 12 લાખ રૂપિયાના ચેક આપી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી દાગીના વેચી કારની ખરીદી કરનારી મહિલા અને તેના સાગરીતને સુરત પોલીસે બનાસકાંઠાના અંબાજી ખાતેથી ઝડપી પાડ્યા છે.
સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ચામુંડા જ્વેલર્સમાં 31 માર્ચ 2024ના રોજ હેતલ પટેલ નામની મહિલા દાગીના ખરીદવા માટે ગઈ હતી. હેતલે પોતાની ઓળખ ડેપ્યુટી કલેકટર તરીકેની આપી હતી અને ત્યારબાદ ચામુંડા જ્વેલર્સમાંથી 12,38,310 રૂપિયાના સોનાના ઘરેણા ખરીદ્યા હતા. ઘરેણા ખરીદ્યા બાદ તેને રોકડા રૂપિયા આપવાના બદલે બે ચેક વેપારીના આપ્યા હતા. ત્યારે વેપારી દ્વારા આ બંને ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે બંને ચેક રિટર્ન થયા હતા અને ત્યારબાદ છેતરાયો હોવાની જાણ થતા તેને સલામતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે
આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ડેપ્યુટી કલેકટર તરીકેની ઓળખ આપી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને બાતમી મળી હતી કે, હેતલ પટેલ તેના એક સાગરીત સાથે બનાસકાંઠા ભાગી ગઈ છે. તેથી પોલીસે ટીમ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે રવાના કરી હતી અને ત્યારબાદ મહિલા હેતલ પટેલ અને તેના સાગરીત જીતેન્દ્ર પટેલને અંબાજીથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ‘મહિલા હેતલ પટેલે તેના સહ આરોપી સાથે મળીને છેતરપિંડીથી જે ઘરેણા લીધા હતા તેને બારોબાર વેચી દીધા હતા અને ત્યારબાદ સુરતમાંથી આ રૂપિયાની એક કાર ખરીદી હતી. મહિલા અને તેના સાગરીત પાસેથી પોલીસને એક કાર તેમજ 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. હાલ પોલીસે રોકડા રૂપિયા અને કારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, હેતલ પટેલ સામે અગાઉ પણ તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો છે અને સુરત ગ્રામ્ય જિલ્લાની તાલુકા કોર્ટમાં પણ ચેક રિટર્નની એક ફરિયાદ દાખલ થઈ છે.’
આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત
તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન હદમાં આ જ હેતલ પટેલે પોતાની ઓળખ મેડિકલ અધિકારી તરીકેની આપી લોકોને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે મહિલા હેતલ પટેલ પોતાની ઓળખ અલગ અલગ અધિકારી તરીકેની બતાવતી હતી અને એજ્યુકેશન પણ અલગ અલગ બતાવતી હતી. મહત્ત્વની વાત છે કે, જ્વેલર્સને વિશ્વાસ અપાવવા માટે આ મહિલાએ સુરતના સારોલી પોલીસ સ્ટેશને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં ઓળખ ગાંધીનગરની ડેપ્યુટી કલેકટર હોવાની આપી હતી અને આ ફરિયાદની કોપી જ્વેલર્સને બતાવી હતી અને તેના આધારે જ્વેલર્સને વિશ્વાસમાં લઈ તેની સાથે છેતરપિંડી કરી હતી.