July 1, 2024

APJ અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી સાથે 120 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત કનેક્શન

અમિત રૂપાપરા, સુરત: લખનઉની ડૉ. એ પી જે અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટી સાથે 120 કરોડની છેતરપિંડીના કેસમાં સુરત કનેક્શન સામે આવ્યું છે. સુરત અને અમદાવાદના યુવકોના કૌભાંડમાં નામ સામે આવ્યા છે. જે અંતર્ગત યુપી પોલીસે ગુજરાતમાંથી બે યુવકોની અટકાયત કરી છે. લખનઉની ડૉ. એ પી જે અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટીના અધિકારીને યુનિયન બેન્કમાં ઊંચા વળતરની સ્કીમ આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના નામે ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી 120 કરોડ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડમાં લખનઉ અને હૈદરાબાદ ઉપરાંત સુરત, અમદાવાદના તાર સામે આવ્યા છે. ત્યાં જ આ કેસમાં ગુજરાતના અન્ય યુવકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

છેતરપિંડીની આ ઘટનાની વાત કરીએ તો લખનઉની યુનિવર્સિટીના સત્તાધીશોને એક વ્યક્તિ દ્વારા વિશ્વાસમાં લઈ યુનિયન બેંકના ઓફિસર તરીકે ઓળખ આપી હતી. જે વ્યક્તિ દ્વારા બેંકનું આઇડી કાર્ડ ઓથોરિટી લેટર સહિત પુરાવા આપી મોટી મોટી વાતો કરી હતી. જેમાં યુનિવર્સિટીના બેન્ક એકાઉન્ટમાં 300 કરોડનું ફંડ પડ્યું છે, આ ફંડ જો યુનિયન બેન્કમાં એફ.ડી.તરીકે મુકશો તો ઊંચું વળતર આપવાની લોભામણી સ્કીમ આપી હતી. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો આ રકમ મુકવા સંમત થઈ ગયા હતા. જે બાદ ઠગબાજ યુવક યુનિયન બેંકની ઓથોરિટીને મળ્યો હતો. જ્યાં પોતે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીનો ઓથોરાઈઝ પર્સન હોવાની વાત કરી હતી. અને યુનિવર્સિટીનો બોગસ લેટર અને વિઝિટિંગ કાર્ડ બતાવ્યું હતું. સાથે જ આ ઠગે નકલી ઇમેલ આઇડી અને ફોર્મમાં મોબાઈલ નંબર પણ પોતાનો લખાવ્યો હતો. જેના આધારે અબ્દુલ કલામ ટેકનિકલ યૂનિવર્સિટીના નામે ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે બેંક એકાઉન્ટમાં 300 કરોડમાંથી 120 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ પણ વાંચો: બીલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા ગુમ

120 કરોડ માંથી 99 કરોડ ગુજરાતના અમદાવાદ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. બેંક મેનેજર અનુજ સકસેનાને કરોડોના વ્યવહાર શંકાસ્પદ જણાતા ક્રોસ વેરિફિકેશન કરાવ્યું હતું. જે બાદ યુપીના ઇતિહાસના સૌથી મોટા સ્કેમનો પર્દાફાશ થયો હતો. યુનિયન બેંકના મેનેજરની ફરિયાદના આધારે યુપીની લખનઉ પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર રેકેટમાં લખનઉ અને હૈદરાબાદ ઉપરાંત સુરત અમદાવાદના તાર સામે આવ્યા હતા. જેમાં લખનઉ પોલીસની ટીમે ગત સપ્તાહે અમદાવાદના ઉદય પટેલ અને સુરતથી દેવેન્દ્રપ્રસાદ જોશીની અટકાયત કરી હતી. સુરતના અમરોલીમાં રહેતા દેવેન્દ્ર જોશીના બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જણાય આવ્યું હતું. લખનઉ પોલીસે શૈલેષ રઘુવંશી, ગિરીશ ચંદ્રા, કેકે ત્રિપાઠી, રાજેશ બાબુ અને દસ્તગીર આલમની ધરપકડ કરી હતી. હાલમાં રૂપિયા 99 કરોડમાંથી 98 કરોડ રિકવર કરાયા હોવાનું પણ દાવો કરાયો છે. આ કૌભાંડમાં ગુજરાતના અન્ય યુવકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.