July 7, 2024

લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અનોખી પહેલ, સુરત કલેક્ટર કચેરીની બંને બિલ્ડિંગમાં અનોખી રંગોળી

અમિત રુપાપરા, સુરતઃ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેકટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે.

મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેકટર કચેરીની બંને બિલ્ડિંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જે લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે.

કલેકટર કચેરીના એ બ્લોકમાં સવારે 8 વાગ્યાથી સંસ્કાર ભારતી વિદ્યાલયના ધોરણ નવની આઠ વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જે રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. મહત્વની વાત કહી શકાય કે, આ રંગોળીમાં નવા સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત વોટ આપવાનો સિમ્બોલ રંગોળીની મધ્યમાં દર્શાવવામાં આવ્યો છે. બેલેટ પેપર અને ઇવીએમ મશીનની પ્રતિકૃતિ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. મતદાન જાગૃતિ માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. તેની પણ એક પ્રતિકૃતિ આ રંગોળીમાં તૈયાર કરી છે.

કેટલાક નેતાઓ લોકોને મતના બદલામાં પૈસા આપતા હોય છે અને લોકોનો મત ખરીદવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રતિકૃતિ પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવી છે. એટલે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે કે, જો સારા નેતાને પસંદ કરવામાં આવશે તો દેશનો વિકાસ વગર ભ્રષ્ટાચારે થશે અને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. આ ઉપરાંત લોકોનો એક મત કેટલો કિંમતી છે તે પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યું છે.