સિટી લાઇટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં, અનેક એકમ સીલ કર્યા
સુરતઃ સિટી લાઇટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. અપૂરતી ફાયર સેફ્ટી અને ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાના કારણે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતના અઠવા, ઉધના, રાંદેર ઝોનમાં આવેલી હોસ્પિટલ, જીમ, કોમર્શિયલ ઇમારતોમાં સીલ કરવામાં આવ્યા છે. અઠવા ઝોનમાં આવેલી છ જેટલી હોટલના 38 રૂમ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે ઉધના ઝોનમાં આવેલી જન સેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને પણ સીલ મારવામાં આવ્યું છે.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં આવેલું માય ફિટનેસ જીમ સીલ કરવામાં આવ્યું છે. રાંદેર ઝોનમાં આવેલી ત્રણ જેટલી હોટલ સંપૂર્ણ સીલ કરવામાં આવી છે. ઉધના , કતારગામ, સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનમાં વિવિધ 23 સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે 24 જેટલી સંસ્થાઓમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. સિટી લાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં બનેલી અગ્નિ કાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.