November 23, 2024

સુરતમાં વ્યાજખોરે કરોડો વસૂલ્યા, મકાન પણ લખાવ્યું; પોલીસ ફરિયાદ દાખલ

સુરતઃ શહેરના ચોક બજારમાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક હજી પણ યથાવત છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે.

ફટાકડાવાડીના કારખાનેદાર વિરૂદ્ધ વ્યાજખોરીની બે ફરિયાદ નોંધવામાં આવી છે. 1.30 કરોડ સામે 1.69 કરોડની વસુલાત કરી હતી. ત્યારે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત 1.80 કરોડનું મકાન પણ લખાવી લીધું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

વ્યાજખોરે મંડપ ડેકોરેટર પાસેથી પણ રૂપિયા 18 લાખ વસૂલી 50 લાખની વધુ માંગણી કરી હતી. વેડ રોડના એમ્બ્રોડરીનું કારખાનું ચલાવતા કરસન ખોખાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીપલોદના વિમલ સુરેશચંદ્ર ભાજીખાઉ દ્વારા પ્રથમ 20 લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા. જે ચૂકવી દીધા બાદ વધુ 1.30 કરોડ વ્યાજે લીધા હતા. 2017 સુધીમાં આ રકમ સામે 1.69 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં 1.60 કરોડની માંગણી કરી 1.80 કરોડનું મકાન લખાવી લીધું હતું.

દલાલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અંતે ફરિયાદ આપી હતી. બીજી ફરિયાદ હરિભાઈ કરમશી વઘાસીયાએ આપી હતી. મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા હરિભાઈએ પુત્રીના લગ્ન માટે ત્રણ લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે 18 લાખની રકમ ચૂકવી દીધા બાદ પણ પચાસ લાખની માગણી કરી ધાક ધમકી અપાતી હતી. જે હરિભાઈએ પોલીસનું શરણું લેતા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.