November 25, 2024

સુરતમાં ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ; સ્પેશિયલ વોર્ડ બનાવ્યો, 6 ડોક્ટર 24 કલાક હાજર રહેશે

અમિત રુપાપરા, સુરતઃ ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ત્યારે જે જગ્યાએ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યાં આજુબાજુના વિસ્તારમાં સરવેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે અને દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ 10 બેડનો એક ઇમર્જન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અહીં છથી સાત જેટલા ડોક્ટરો 24 કલાક વોર્ડમાં સેવા આપશે. જો કે, હાલ સુરતમાં ચાંદીપુરા વાયરસનો એકપણ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે આ 10 બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાયરસને લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં 33 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અને 7 સેમ્પલના પરિણામ પણ આવી ચૂક્યા છે. જેમાંથી 6 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ફક્ત એક સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, આ કેસને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત જોવા મળી રહી છે અને રોગચાળાના નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સઘન સર્વેલન્સ અને દવા છંટકાવવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવશે. રાજ્યમાં 260 ટીમો દ્વારા 1150 ઘરોમાં રહેતા 56,651 વ્યક્તિઓનું સર્વે પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ 4838 કાચા મકાનો અને ઢોરઢાંખર રહેતા હોય તેવા એરિયામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ ચાંદીપુરા વાયરસને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ઇમર્જન્સી ટીમ 24 કલાક ફરજ બજાવશે. છથી સાત જેટલા ડોક્ટર 24 કલાક આ વોર્ડમાં ફરજ બજાવશે.

આ યુનિટમાં જરૂરિયાત અનુસાર દવાઓ તેમજ વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે. શરૂઆતથી લક્ષણો બાળકને તાવ આવવો અને ઝાડા-ઉલટી થવા છે અને જો આ શરૂઆતથી લક્ષણોમાં બાળકને સારવાર પૂરતા પ્રમાણમાં ન મળે તો એકાએક જ તાવ વધી શકે છે. ત્યારબાદ વાયરસના લક્ષણો મગજ સુધી પહોંચે છે અને ત્યારબાદ મગજમાં સોજો આવવાના કારણે બાળકને ખેંચ આવવાની સમસ્યા અથવા તો બાળક બેભાન થવાની સમસ્યા સર્જાઈ શકે છે. એટલા માટે જ જો બાળકમાં કોઇપણ આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક બાળકની સારવાર કરાવવી જોઈએ.