અઠવાલાઇન્સમાં શિવમ બંગ્લોઝમાં શોર્ટસર્કિટ થતા આગ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
અમિત રુપાપરા, સુરતઃ શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંગલામાં અચાનક આગ ફાટી નીકળતા પરિવારના સભ્યો વચ્ચે ભારે દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. બંગલામાં આગ લાગતા પરિવારના સૌ સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જ્યાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. એસીમાં શોર્ટસર્કિટ બાદ આ ઘટના બની હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.
સુરત શહેરમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યાં વધુ એક આગની ઘટના સુરતના અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં બની છે. અહીં આવેલા શિવમ બંગ્લોઝમાં એકાએક આગ ફાટી નીકળતા પરિવારના સભ્યો વચ્ચે ભાગદોડ અને નાશભાગ મચી ગઈ હતી. પહેલા માળે આવેલા રૂમમાં એસીમાં શોર્ટસર્કિટ થયા બાદ અચાનક આગ લાગતા પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જ્યાં સૌ પરિવારના સભ્યો આગ લાગતાંની સાથે જ જીવ બચાવી સુરક્ષિત રીતે બંગલાની બહાર દોડી આવ્યા હતા.
ત્યારબાદ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની આઠ ગાડીઓ સહિતના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, બંગલામાં ધુમાડાના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન સપોર્ટની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી હતી. મહત્વનું છે કે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો વધુ પડતો એસીનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે શોર્ટસર્કિટને કારણે આગની ઘટનાઓમાં વધારો થયો છે.