October 31, 2024

સુરતના અઠવા પોલીસ સ્ટેશનના PSI લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSIને રૂપિયા 1,00,000ની લાંચ લેતા સુરત એસીબી દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં થયેલી અરજીની તપાસ દરમિયાન ગુનો રજિસ્ટર નહીં કરવા માટે આ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદી દ્વારા બનાસકાંઠા એસીબીમાં આ મામલે જાણકારી આપતા સુરત એસીબીને સાથે રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા એક લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવેલા PSIની ધરપકડ કરી વધુ તપાસ સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત એસીબીની પકડમાં ઉભેલા આ આરોપીનું નામ લલિત પુરોહિત છે. જે સુરતના અઠવા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવે છે. મૂળ બનાસકાંઠાના વતની ફરિયાદી વિરુદ્ધ એક અરજી અઠવા પોલીસ મથકમાં થઈ હતી. જે અરજીની તપાસ લલિત પુરોહિત કરી રહ્યા હતા. જો કે, તટસ્થ તપાસ કરવાના બદલે પોતાનો રોટલો શેકવા માટે પીએસઆઇ દ્વારા 3,00,000ની લાંચ માંગવામાં આવી હતી.

બનાસકાંઠાના મૂળ ફરિયાદી વિરુદ્ધ થયેલી આ અરજીની તપાસ દરમિયાન ગુનો નહીં રજિસ્ટર કરવા પીએસઆઇએ ધાકધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો ફરજિયાત પણે ગુનો દાખલ કરવો પડશે તેમ ફરિયાદીને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી અને પીએસઆઇ વચ્ચે આ બાબતને લઈ રક્ઝકના અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જો કે, ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોય બનાસકાંઠા એસીબીમાં આ મામલે તેઓએ રજૂઆત કરી હતી. જેથી સુરત એસીબીના સાથે રાખી ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું.

સુરતના અઠવા પોલીસ વખતમાં ફરજ બજાવતા પીએસઆઇ લલિત પુરોહિતને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડવા પોલીસ સ્ટેશન નજીક જ આ છટકાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન પોલીસ સ્ટેશન નજીક 1,00,000ની લાંચ લેતા એસીબીએ અઠવા પોલીસ મથકના પીએસઆઇ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જ્યાં સુરત એસીબી દ્વારા આ લાંચિયા પીએસઆઇની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

એસીબી દ્વારા લાંચિયા પીએસઆઇને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાશે. જ્યાં પીએસઆઇની મિલકત સંબંધી તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે. પીએસઆઇ દ્વારા કોઈ આ પ્રમાણસર મિલકત વસાવામાં આવી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાશે. જો કે, એસીબીની કાર્યવાહી બાદ અન્ય લાંચિયા અધિકારીઓમાં ભારે ફફડાટ પણ વ્યાપી ગયો છે.