July 1, 2024

અંધશ્રદ્ધાના નામે મહિલાઓને ગાળો ભાંડતા-અભદ્ર વર્તન કરતા ભૂવાનો વીડિયો વાયરલ

અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે. ત્યારે આ ટેકનોલોજીના યુગમાં પણ હજુ પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાના માહોલમાં જીવી રહ્યા છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારના આવાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં ભૂવો મહિલા સાથે અભદ્ર વર્તન કરતો દેખાય છે. મહિલાને ગાળો ભાંડી રહ્યો છે. તો પોલીસ દ્વારા જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે ભુવો ઘરેથી ફરાર થઈ ગયો હતો.

આ ટેકનોલોજીના સમયમાં પણ કેટલાક લોકો ઢોંગ ધતિંગ કરીને લોકોને જાળમાં ફસાવતા ભૂવા કે પછી તાંત્રિકોમાં વિશ્વાસ કરતા હોય છે. ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં ભુવા દ્વારા ભૂતપ્રેતના નામે મહિલાઓ સાથે કરવામાં આવતા ગેરવર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત, છેલ્લી તારીખ 21મી મે

સુરતના અમરોલી વિસ્તારમાં એચટુ આવાસમાં રહેતો ઈમરાન ઉર્ફે જોલીયો ભૂતપ્રેત બાધાના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી લઈ જતો હતો. આ ભૂવો ભૂતપ્રેત-બાધા દૂર કરવાના નામે મહિલાઓ સાથે ગેરવર્તન પણ કરતો હતો. તો બીજી તરફ, તેની સામે અગાઉ દુષ્કર્મનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. તે ઘરમાં મહિલાઓને બંધક બનાવી ભૂતપ્રેત બાધા દૂર કરવાના નામે મહિલાઓ સાથે ગેરવર્તન કરતો હતો. મહિલાઓને ગાળો પણ ભાંડતો હતો અને આ ભુવાનો આવી હરકતોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોને લઈને અમરોલી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. અમરોલી H2 આવાસનો આ વીડિયો હોવાનું અમારા ધ્યાન પર આવ્યો હતો. તો પોલીસ જ્યારે ભુવાના ઘરે પહોંચી તે પહેલા જ ભૂવો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસ દ્વારા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ વ્યક્તિ આ બાબતે ફરિયાદ આપવા માટે તૈયાર ન હતો.’