સુરતમાં 30 વર્ષ જૂના જર્જરિત એપાર્ટમેન્ટનો પ્રથમ માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી
સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા 30 વર્ષ જૂના જર્જરિત એપાર્ટમેન્ટનો પ્રથમ માળનો ભાગ ધડાકાભેર સાથે રાતના પોણા બે વાગ્યાના સમય દરમિયાન બાજુની સોસાયટીની દીવાલ પર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મોડી રાતે આ ઘટના બની હોવાથી સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને લઈ સોસાયટીના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જ્યાં ઘટના બાદ પાલિકા અધિકારીઓ પણ દોડતા થયા હતા. આ ઘટનાને લઈ પાલિકા તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. જ્યાં જર્જરિત ઇમારતને તાત્કાલિક ઉતારી પાડવા માગ કરવામાં આવી હતી.
સુરતના અડાજણ સ્થિત 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટના પ્રથમ માળનો જર્જરિત ભાગ મોડી રાતે બાજુમાં આવેલા પ્રતીક્ષા રો-હાઉસ સોસાયટીની દીવાલ પર તૂટી પડતા ઘોર નિદ્રામાં પોઢી રહેલા લોકો ઘરોના બહાર દોડી આવ્યા હતા. જર્જરિત ઇમારતનો કાટમાળ પ્રતીક્ષા રો-હાઉસના બંગલાની બાજુમાં આવેલી દીવાલ પર પડતા સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનાની જાણ સવારે પાલિકાને થતાં અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ ઘટનાને લઈ પ્રતીક્ષા રો-હાઉસ સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. મહત્વનું છે કે, જર્જરિત બિલ્ડિંગના પ્રથમ માળનો ભાગ તૂટી પડ્યો હતો. તે બિલ્ડિંગ અગાઉથી પાલિકા દ્વારા સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવી છે. પરંતુ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવામાં અથવા અન્ય કોઈ પગલાં ભરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
પ્રતીક્ષા સોસાયટીના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, વારંવાર આ મામલે પાલિકાને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. છતાં જર્જરિત બિલ્ડિંગ અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં અથવા કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રતીક્ષા સોસાયટીમાં લોકો આજે ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ગમે તે સમયે જર્જરિત બિલ્ડિંગ તૂટી પડવાની ભીતિ રહેલી છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે પણ અસહ્ય ગંદકી છે. જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ છે.
પાલિકા તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું છે. જો આ ઘટના વહેલી સવારે બની હોત તો મોટી જાનહાનિ થઈ હતી. જર્જરિત ઇમારતના કારણે મોટી દુર્ઘટના બનવાની પણ શક્યતા રહેલી છે. જેથી પાલિકા તંત્રએ તાકીદે આ મામલે કોઇ નક્કર પગલાં લે અથવા કાર્યવાહી કરે તેવી પ્રતીક્ષા સોસાયટી આ લોકોની માગ છે.