June 30, 2024

AAPના બે કોર્પોરેટરો સામે 10 લાખની લાંચ માગવાનો આક્ષેપ, ACBમાં ફરિયાદ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે 10 લાખ રૂપિયાની લાંચ માગવાનો આક્ષેપ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ આ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. જેમાં પાલિકાના એક કર્મચારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પે એન્ડ પાર્કના સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એન્ટિકરપ્શન બ્યુરોને કોન્ટ્રાક્ટરે આપ્યા હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે.

સુરત મહાનગરપાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણી દ્વારા આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા 10 લાખ રૂપિયાની લાંચ માગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પે એન્ડ પાર્કની નીચે વેજીટેબલ માર્કેટ ચાલી રહી છે અને વેજિટેબલ માર્કેટમાં પે એન્ડ પાર્કમાં કામ કરતા એક કર્મચારી દ્વારા કરિયાણાનો સામાન મૂકવામાં આવ્યો હતો. આ વાતની જાણ કોર્પોરેટરને થઈ હતી. તેથી કોર્પોરેટર સબ્જી માર્કેટમાં આંટો મારવા માટે ગયા હતા અને કરિયાણાનો સામાન મૂક્યો હોવાને લઈને કર્મચારીઓ સાથે તે તકરાર કરવા લાગ્યા હતા. કર્મચારીઓને ધમકાવ્યા હતા કે, તમારા ઉપર અલગ અલગ ગુનાઓ લાગશે.

આ પણ વાંચોઃ ગુજરાત યુથ ફોરમે માગી ‘શહીદ વૃક્ષ સ્મારક’ બનાવવાની મંજૂરી

કોર્પોરેટર દ્વારા કર્મચારીઓને ધમકાવવામાં આવતા પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા અન્યાય કોન્ટ્રાક્ટરને ફોન કરીને કોર્પોરેટરને સમજાવવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય કોન્ટ્રાક્ટરે આ બાબતે કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર દ્વારા 11 લાખ રૂપિયા આપશે તો સમાધાન થશે તેવું જણાવવામાં આવ્યું હતું. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા આપવાની ના પાડવામાં આવી હતી. તેથી બપોર બાદ કોર્પોરેટર દ્વારા ઝોનના અધિકારીઓને સબ્જી માર્કેટમાં બોલાવવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે કરિયાણાનો સામાન વેચવામાં આવે છે તે પ્રકારે કોન્ટ્રાક્ટરને હેરાનગતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર કોર્પોરેટર સાથે 10 લાખ રૂપિયામાં સમાધાન કરવા માટે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ નાલંદા યુનિવર્સિટીને ખીલજીએ ખુન્નસમાં સળગાવી, 3 મહિના સુધી ભડકે બળી

ઝોનના ઓફિસર દ્વારા પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે માફી પત્રક લખાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ, પાર્કિંગ કોન્ટ્રાક્ટર હિતેશ સવાણી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાને વિપુલ સુહાગીયાને પૈસા આપવા ન માગતો હોવાના કારણે તેને આ સમગ્ર મામલે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી છે. કોન્ટ્રાકટરે કોર્પોરેટરો પે એન્ડ પાર્કમાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે.