November 23, 2024

સુરતમાં 6 દિવસના બાળકનું અંગદાન, ચાર લોકોને મળ્યું નવજીવન

અમિત રુપાપરા, સુરતઃ માત્ર છ દિવસના ઠુંમર પરિવારના બાળકના પાંચ અંગોના દાનથી ચાર જીવન રોશન થયા છે. આ ભારત દેશનો ત્રીજો કિસ્સો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અઢારમું અંગદાન કરવામાં આવ્યું છે. બાળકના લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓનાં દાન કરવામાં આવ્યાં છે.

મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલ સુરતની સુખશાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુંમરની દીકરીનાં અંગદાનથી ચાર લોકોનાં જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે. 23/09/2024 સોમવારના રાત્રે 8:24 વાગ્યે મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હતો. ત્યાંથી દીકરીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી NICU વિભાગમા સારવાર શરુ કરવામાં આવી હતી.

ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી. સઘન સારવાર બાદ 27/09/2024નાં રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી. બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છેના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપી હતી.

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહિત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતિ આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરી યમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બંને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ-લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ટીમ જીવનદીપે બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

આ ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન સુધીનો ગ્રીન કોરીડોર તથા સુરતથી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીન કોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રેલ્વે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબ જ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. જેથી આ 18મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે, અંગદાન માટે ઠુંમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દૂર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા.