અદાણી-હિંડનબર્ગ કેસમાં ‘સુપ્રીમ’ નિર્ણય, સેબીની તપાસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે 24 નવેમ્બરે અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રૂપની કંપનીઓના મામલામાં હિંડનબર્ગ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી અથવા SIT દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ચુકાદો આપતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, કોર્ટ પાસે સેબીના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. કોર્ટ સેબીની તપાસમાં દાખલ નહીં કરે, અને આ કેસની તપાસ માટે sitની જરૂર નથી. વધુમાં કોર્ટે ઉમેર્યું હતું કે, સેબી બાકીના બે કેસની તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરે. આ કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે આ કેસમાં સેબીની ભૂમિકા અનેક કારણોસર શંકાસ્પદ હતી કારણ કે વર્ષ 2014માં જ નિયમનકારને ઘણી બધી માહિતી ઉપલબ્ધ હતી. સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું હતું કે ભારતની અંદર વસ્તુઓ અને નીતિઓને પ્રભાવિત કરવા માટે ભારતની બહાર વાર્તાઓ ઘડવાનું ચલણ વધી રહ્યું છે. મહેતાએ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સામેના આરોપો સંબંધિત 24માંથી 22 કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પીઆઈએલમાંની એકે એવો આક્ષેપ કર્યો હતો કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ (સેબી એક્ટ)માં થયેલા ફેરફારોએ અદાણી જૂથના નિયમનકારી ઉલ્લંઘનો અને બજારની હેરાફેરીનો ખુલાસો ન થવા દેવા માટે કવચ અને બહાનું પૂરું પાડ્યું છે. ત્યારપછી સર્વોચ્ચ અદાલતે સેબીને સ્વતંત્ર રીતે આ મામલાની તપાસ કરવા જણાવ્યું હતું અને ભૂતપૂર્વ SC ન્યાયાધીશ જસ્ટિસ એએમ સપ્રેની અધ્યક્ષતામાં નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી.
આ પણ વાંચો : ડ્રાઇવરોની હડતાલનો આવ્યો અંત? શું હતી તેમની માગ
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી બિઝનેસ ગ્રૂપ પર ગંભીર આરોપો અને શેર-કિંમતની હેરાફેરી સહિતના આરોપો મૂક્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. તો બીજી તરફ અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના તમામ આરોપોને ખોટા ગણાવીને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે તમામ કાયદાઓ અને નિયમોનું યોગ્ય પાલન કરે છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરી નથી.