November 25, 2024

બંધારણમાંથી ધર્મનિરપેક્ષ-સમાજવાદ શબ્દ હટાવવાની માંગ કરતી અરજીઓ SCએ ફગાવી

Supreme court: સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. આ અરજીઓ પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1976માં પસાર કરાયેલા બંધારણીય સુધારા હેઠળ ધર્મનિરપેક્ષ અને સમાજવાદ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ગયા શુક્રવારે જ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીને ફગાવી દેતાં ચીફ જસ્ટિસે કહ્યું કે ‘આ અરજીને વિગતવાર સાંભળવાની જરૂર નથી.’ CJIએ કહ્યું કે ‘સમાજવાદ અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો 1976માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા અને 1949માં અપનાવવામાં આવેલા બંધારણમાં કોઈ ફરક પડતો નથી.’

આ શબ્દો ઈન્દિરા ગાંધીની સરકારમાં ઉમેરવામાં આવ્યા હતા
નોંધનીય છે કે, 1976માં ઈન્દિરા ગાંધી સરકારે 42મો બંધારણીય સુધારો કરીને બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ અને ‘અખંડિતતા’ શબ્દોનો સમાવેશ કર્યો હતો. આ સુધારા પછી, પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ થી ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક’ માં બદલાઈ ગયું. સુનાવણી દરમિયાન તેમની દલીલો રજૂ કરતી વખતે, અરજદાર એડવોકેટ વિષ્ણુ કુમાર જૈને નવ જજની બંધારણીય બેંચના તાજેતરના નિર્ણયને ટાંક્યો હતો. બંધારણની કલમ 39(B) પર 9 જજની બેન્ચેના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે ચુકાદામાં, સર્વોચ્ચ અદાલત ભૂતપૂર્વ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જસ્ટિસ વી આર કૃષ્ણા અય્યર અને ઓ ચિનપ્પા રેડ્ડી દ્વારા પ્રસ્તાવિત “સમાજવાદી” શબ્દના અર્થઘટન સાથે અસંમત હતી.