PMની સુરક્ષા માટે ત્રણ ડીઝલ બખ્તરબંધ વાહનો તૈનાત કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટે NGTનો પ્રતિબંધ ફગાવ્યો
National Green Tribunal: સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG) સાથે જોડાયેલા ત્રણ સ્પેશિયલ આર્મર્ડ ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશનની મુદત પાંચ વર્ષ વધારી દીધી છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ મનમોહનની બેંચ એસપીજી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં તેમના એક દાયકા કરતાં વધુ જૂના વાહનોની નોંધણીની મુદત વધારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જો કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાહનોના મહત્વને ટાંકીને એક્સ્ટેંશન માંગ્યા બાદ સર્વોચ્ચ અદાલતની બેન્ચે SPGને મુક્તિ આપી હતી. મહેતાએ જણાવ્યું હતું કે આવા વાહનો એસપીજી ટેક્નિકલ લોજિસ્ટિક્સનો આવશ્યક અને અભિન્ન ભાગ છે. એનજીટીએ 22 માર્ચે રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો કે 10 વર્ષ પૂરા થયા પછી આવા ડીઝલ વાહનોને એનસીઆરમાં ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં.
NGTએ કહ્યું, “અમે એ હકીકતથી વાકેફ છીએ કે આ ત્રણેય વાહનો ખાસ હેતુના વાહનો છે જે સામાન્ય રીતે ઉપલબ્ધ નથી અને છેલ્લા 10 વર્ષમાં આ વાહનો ખૂબ જ ઓછા ચલાવવામાં આવ્યા છે અને વડાપ્રધાનની સુરક્ષાના ચોક્કસ હેતુ માટે જરૂરી છે, પરંતુ 29 ઓક્ટોબર, 2018ના સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને, MA (મિસેલેનિયસ એપ્લીકેશન)માં કરવામાં આવેલી પ્રાર્થના સ્વીકારી શકાતી નથી.” 29 ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ નિર્ણય 2015 ના એનજીટીના આદેશ પર આધારિત હતો જેમાં એનસીઆરમાં એક દાયકા કરતાં જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એસપીજીની સ્થાપના 1985માં વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાનો અને તેમના નજીકના પરિવારના સભ્યોને નજીકનું સુરક્ષા કવચ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.