July 7, 2024

સચિવાલયના ગેટ પાસે યુવકનો આપઘાતનો પ્રયાસ

ગાંધીનગર: સચિવાલય ગેટ નંબર 1 પર વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વલસાડના વતની નીતિન નટુભાઈ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાંધીનગર પોલીસની સમય સૂચકતાના કારણે તેને બચાવી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વલસાડના નીતિન પટેલે ગાંધીનગર સચિવાયલ ગેટ નંબર 1 પાસે ઝાડ પર ચડી જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નીતિનભાઈ પટેલે જમીન વિવાદને લઈને મહિલા સહિત બે લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ DYSPને અનેક વખત રજૂઆત કરવા છતાં વનિતા અને વિપુલ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અરજદારની ફરિયાદનું નિવારણ ન આવતા આપધાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહત્વનું છેકે, આપઘાતનો પ્રયાસ કરનાર નીતિન નટુભાઈ પટેલને ગાંધીનગર પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. જે બાદ નીતિન ભાઈ ઝાડ પરથી નીચે આવ્યા હતા. આ સમયે ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી.