ગૌણ સેવા પસંદગી મંડળે ફીમાં કર્યો ધરખમ વધારો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે ઉમેદવારો પાસે 111 રૂપિયા પોસ્ટ ઓફીસમાં ચલણ દ્વારા ભરવામાં આવતા હતા. હવે ગૌણ સેવાએ ચલણ પ્રક્રિયાની જગ્યાએ તમામ વસ્તુને ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા બહાર પડતી તમામ પરીક્ષાઓના ફોર્મ અને ફી બન્ને ઓનલાઈન ભરવાના રહેશે. આ ફીની રકમ 111થી વધારીને 500 કરવામાં આવી છે.
પરીક્ષા લેવાઈ ગયા બાદ પરીક્ષા આપનાર ઉમેદવારે ભરેલા 500 રૂપિયા પરત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. સુત્રો અનુસાર જે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફોર્મ ભર્યા બાદ જો પરીક્ષા નહીં આપી હોય તેવા ઉમેદવારોને પરીક્ષાના પૈસા પરત આપવામાં આવશે નહીં. મહત્વનું છેકે, રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં ટુંક સમયમાં 5000 ભરતીઓ બહાર પડશે. તેવી જાહેરાત કરી હતી. જે બાદ 188 જગ્યાઓની જાહેરાત પણ થઈ ગઈ છે. જેના ફોર્મ 16 જાન્યુઆરી સુધી ભરી શકાશે.