June 23, 2024

શેરમાર્કેટમાં રેકોર્ડબ્રેક ઓપનિંગ, નવી ઊંચાઈ પર નિફ્ટીનો સ્પર્શ

Stock Market Today: ચૂંટણીના પરિણામ પહેલા અને પરિણામ બાદ સૌથી વધારે જેની ચર્ચા થતી હતી એ શેરમાર્કેટ છે. ન માત્ર ભારતીય બજાર પણ સમગ્ર એશિયાઈ માર્કેટમાં મોટી ચહલપહલ જોવા મળી રહી છે. ગુરૂવારે શેરમાર્કેટની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જેની સીધી અસર રોકાણકારો પર જોવા મળી રહી છે. પરિણામના દિવસે શેરમાર્કેટમાં ધોવાણ થતા અનેક રોકાણકારો નિરાશ થયા હતા. પણ ગુરૂવારે માર્કેટ શરૂ થતાની સાથે જ ગ્રાફ ઉપરની તરફ જતો જોવા મળ્યો હતો. મુખ્ય ઈન્ડેક્સ સેંસેક્સ 400 પોઈન્ટથી વધીને 77145.46 પર ખુલ્યો છે.

રેકોર્ડ સાથે ઓપનિંગ
ગુરૂવાર તારીખ 13 જૂનના રોજ આ એક મોટો રેકોર્ડ રહ્યો હતો. આ પહેલા તારીખ 10 જૂનના રોજ 77079.04ના પોઈન્ટ પર એક રેકોર્ડ કહી શકાય એવી સપાટી જોવા મળી હતી. રવિવારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા હતા. એ પછીના અઠવાડિયામાં શેરમાર્કેટમાં એક પ્રકારની તેજી જોવા મળી હતી. સ્થિરતા સાથે માર્કેટ ધીમે ધીમે આગળ વધતા ગુરૂવારે સપાટી જે રીતે સ્પર્શી એ જોતા રેકોર્ડ કહી શકાય એવી સ્થિતિ રહી છે. ગુરૂવારે નિફ્ટી 23480.95ની સપારીટ પર રહ્યો છે. જે એક મોટો રેકોર્ડ છે.આ પહેલા એનએસઈ નિફ્ટી 118.35 પોઈન્ટ એટલે કે 0.51 ટકાથી વધીને 23441.30 પર ખુલ્યો હતો.

આ કંપનીઓને ફાયદો
લીસ્ટેડ કંપનીઓની વાત કરવામાં આવે તો વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટાઈટન, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફાયનાન્સ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સર્વિસ અને બજાજ ફિનસર્વના શેરમાં મોટી તેજી જોવા મળી હતી. જે રોકાણકારોએ આ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું હતું એમને મોટો ફાયદો થયો છે. માર્કેટ તરફથી પોઝિટિવ સાઈન મળતા કંપનીઓ પણ આગળનું ભાવિ વિચારી રહી છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર અને પાવર ગ્રીડ ખોટમાં રહ્યા હતા. શપથવિધિ પહેલાના બુધવારે નિફ્ટીએ રેકોર્ડ બનાવ્યો હતો. પણ કોઈ મોટો માઈલસ્ટોન હાંસિલ થાય એ પહેલા સ્થિતિ બદલી ગઈ હતી. એ સમયે બીએસઈના 30 શેરમાં ઈન્ડેક્સ સેંસેક્સ 149.98 એટલે કે, 0.20 ટકાથી વધીને 76606.57 પોઈન્ટ પર તે બંધ થયો હતો.જે વધારા સાથે બંધ થયો હોવાના રીપોર્ટ છે.

આ પણ વાંચો: ભાવમાં મસમોટો ઘટાડો થતા ચાંદી ખરીદવાની ઉત્તમ તક

વૈશ્વિક માર્કેટ અને કોમોડિટી
એ સમયે સર્વોત્તમ ઊંચાઈ 77079.04થી માત્ર 28.51 પોઈન્ટ દૂર હતા. એનએસઈ સૂચકાંક પણ 177.1 એટલે કે, 0.76 ટકાથી વધીને ટ્રેડ દરમિયાન 23441.95 સુધી પહોંચ્યો હતો. દિવસના અંત સુધીમાં 58.10 અંક એટલે કે 0.25 ટકાના વધારા સાથે 23322.95ની ઊંચાઈ પર તે બંધ થયો હતો. એશિયાના માર્કેટની વાત કરવામાં આવે તો દ.કોરિયાનું કોસ્પી અને હોંગકોંગના હેંગસેંગ ફાયદામાં હતા. જ્યારે જાપાનના નિક્કી અને ચીનના શંઘાઈ કોમ્પોઝિટ નુકસાનમાં હતા. અમેરિકાની શેરમાર્કેટ બુધવારે ફાયદામાં રહ્યું હતું. ખાદ્ય પદાર્થોની કિંમતમાં ઘટાડો અને મે મહિનામાં ફુગાવાની આંશિક અસર થતા માર્કેટને સીધી અસર થઈ છે. એવામાં ભારતીય રીઝર્વ બેંકે પોતાના દર સ્થિર રાખતા કોઈ મોટી ઉથલપાથલ જોવા મળી નહીં. બીજી તરફ વૈશ્વિક ક્રુડ માર્કેટમાં 0.36 ટકાના ઘટાડા સાથે માર્કેટ નીચું ઊતર્યું હતું.