News 360
Breaking News

દિલ્હી-NCRમાં ભૂકંપ બાદ PM મોદીએ જનતાને શાંત રહેવા કરી અપીલ

Delhi: દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને શાંત રહેવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. દરેક વ્યક્તિને શાંત અને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ સલામતી અને સાવચેતીઓનું પાલન કરવા જણાવ્યું છે. આ સિવાય તેમણે જણાવ્યું છે કે, અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

 

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ધૌલા કુઆં નજીક તળાવ પાર્ક પાસે જમીનમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. તેની ઊંડાઈ ઓછી હોવાથી દિલ્હી અને આસપાસના શહેરોમાં તેના આંચકા વધુ અનુભવાયા. જો આપણે શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, સહારનપુર, અલવર, મથુરા અને આગ્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના કુરુક્ષેત્ર, હિસાર, કૈથલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી.

ભૂકંપના જોરદાર આંચકા બાદ, દિલ્હી પોલીસે એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. દિલ્હી પોલીસે X પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે, “આશા છે કે તમે બધા સુરક્ષિત હશો. કોઈપણ કટોકટીની મદદ માટે 112 ડાયલ કરીને અમારો સંપર્ક કરો.”