January 5, 2025

દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિની ધરપકડ કરવા પહોંચી પોલીસ, ઘર બહાર સમર્થકોનાં સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ મહાભિયોગનો સામનો કરી રહેલા દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. પોલીસ ધરપકડ વોરંટ સાથે તેની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી છે. પરંતુ યુનના સમર્થકોની ભીડ નિવાસની બહાર એકઠી થઈ ગઈ છે અને પોલીસ અધિકારીઓને રોકી રહી છે.

3 ડિસેમ્બરની રાત્રે દેશમાં અચાનક માર્શલ લૉ લાગુ કરીને તે નિશાના હેઠળ આવ્યો હતો. તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને તેમના ઘરની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ છે. યૂનના સમર્થકો તેમની ધરપકડ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુન સુક-યોલના નિવાસસ્થાનની આસપાસ ડઝનબંધ પોલીસ બસો અને હજારો અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

મંગળવારે સિઓલ કોર્ટે દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. યુનને માર્શલ લો લાગુ કરવા બદલ 14 ડિસેમ્બરે મહાભિયોગ દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હોય. સિઓલ કોર્ટે કરપ્શન ઇન્વેસ્ટિગેશન ઓફિસ (CIO)ના વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે, તેમને વારંવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે એક વખત પણ પોલીસ સમક્ષ હાજર થયા નહોતા.