August 8, 2024

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. મોડી રાતથી ઘણાં જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ત્યારથી સતત વરસી રહ્યા છે. સુરત, નવસારી, વલસાડ સહિતનાં જિલ્લાઓમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. તેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી અને તેના ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. કાવેરી નદીમાં પાણી વધતા આતલીયા ઉંડાચને જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે છે. ત્યારે આતલિયા-ઊંડાચ પુલ પાણીમાં ગરકાવ થઈ જાય તો અનેક ગામલોકોને લાંબો ચકરાવો મારવો પડે તેવી સ્થિતિ છે.

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કામરેજમાં દિગસ રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વરસાદને કારણે કોળી-ભરથાણા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

નવસારી જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે અને નદીનું જળસ્તર 9.50 ફૂટે પહોંચી ગયું છે. નવસારી જિલ્લાના વાંસદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ નોંધાયો વધારો છે. જૂજ ડેમની જળસપાટી 0.30 મીટર વધી છે. તો કેલીયા ડેમની જળ સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે.

તાપી જિલ્લામાં સવારથી વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. તાપી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.