December 25, 2024

સૌરવ ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી! TMCની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડશે?

Sourav Ganguly, Loksabha election 2024: પૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલી હવે ક્રિકેટ બાદ રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘દાદા’ના નામથી પ્રખ્યાત ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડશે.

ગાંગુલીને ‘બંગાળના બ્રાંડ એમ્બેસેડર’ તરીકે જાહેર કરવામાં આવ્યા
અહેવાલો અનુસાર આજે ગાંગુલીએ લગભગ અડધો કલાક સચિવાલયમાં સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં સૌરવ ગાંગુલી કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે મમતા અને ગાંગુલી છેલ્લા કેટલાક સમયથી ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે. કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023 દરમિયાન ગાંગુલીને ‘બંગાળના બ્રાંડ એમ્બેસેડર’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા અનિચ્છા ધરાવતા સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને ભૂતપૂર્વ દિગ્ગજ બોલર રોજર બિન્ની નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અહેવાલો અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) વિધાનસભા ચૂંટણી દરમિયાન ગાંગુલીને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રાજકારણમાં ઉતારવા માંગતી હતી, પરંતુ ગાંગુલીએ ત્યારે રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી. પરિણામે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીએમસીએ ચૂંટણીમાં કબજો જમાવ્યો હતો.

https://twitter.com/ujjwalroy06/status/1522591710999588865

ગાંગુલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભાજપના નેતાઓ સાથે તેમની નિકટતાની અફવાઓ વધી ગઈ હતી. જેમાં તેઓ રાજ્યના બીજેપીના વરિષ્ઠ નેતાઓ સુવેન્દુ અધિકારી, સુકાંત મજમુદાર અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ઘરે ડિનર કરતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે તમને જણાવી દઈએ કે બંગાળમાં લોકસભાની 42 સીટો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં TMCએ 22 સીટો જીતી હતી, જ્યારે ભાજપને 18 અને કોંગ્રેસે બે બેઠકો જીતી હતી. આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને ટીએમસી ‘INDIA’ ગઠબંધન હેઠળ એકસાથે ચૂંટણી લડી શકે છે.