December 22, 2024

સોમનાથના દરિયાકિનારે સહેલાણીઓનું જોખમભર્યું સ્નાન, પોલીસ બંદોબસ્ત માત્ર કાગળ પર!

ગીર સોમનાથઃ જિલ્લામાં આવેલા સોમનાથના દરિયામાં સ્નાન પ્રતિબંધિત છે, તે છતાં સહેલાણીઓ જોખમભરી રીતે સ્નાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરિયાકિનારે પ્રવાસીઓ માટે સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સોમનાથના સમુદ્રકિનારે તંત્ર અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. સોમનાથના પ્રતિબંધિત સમુદ્રમાં સહેલાણીઓ જોખમી સ્નાન કરી રહ્યા છે. પ્રતિબંધિત સમુદ્રમાં બિન્દાસ્ત પ્રવાસીઓ દરિયાની મોજ માણી રહ્યા છે.

સોમનાથ ચોપાટી પર પ્રવેશ માટે 5 રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધા અને સુરક્ષા શૂન્ય હોવાના દાવા સાથે પ્રવાસીઓ આકરા પાણીએ જોવા મળ્યા છે. તો બીજી તરફ, જોખમી સમુદ્રકિનારે પ્રતિબંધના બોર્ડ લગાવીને તંત્રએ કામગીરીનો સંતોષ માન્યો છે. ત્યાં સહેલાણીઓને ન્હાતા રોકવા માટે કોઈપણ વ્યક્તિ કે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સોમનાથ સમુદ્ર પર પોલીસ બંદોબસ્ત પણ માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે.