November 24, 2024

કુબેરને આ જગ્યાએ આરાધના કરવાથી મળ્યું દેવોના ‘ખજાનચી’નું પદ, મહાદેવ ‘કુબેર ભંડારી’ કહેવાયા

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ‘શ્રાવણમાં શિવાલયયાત્રા’માં આજે છઠ્ઠો દિવસ છે. આજે આપણી યાત્રા પહોંચી છે વડોદરા જિલ્લામાં. વડોદરાના ડભોઈ તાલુકામાં કરનાળી ગામે કુબેર ભંડારી મંદિર આવેલું છે. આ મંદિરનું નામ કુબેર ભંડારી છે, પણ હકીકતમાં આ એક શિવાલય છે. નર્મદા નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી તેનું મહત્વ વધી જાય છે.

શું છે મંદિરની પૌરાણિક કથા?
શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે કથા પ્રમાણે, લંકાની ગાદી માટે રાવણે ભોળાનાથની આરાધના કરી હતી અને શિવજીએ પ્રસન્ન થઈ રાવણને લંકેશ બનાવ્યા હતા. તેથી રાવણના મોટાભાઈ કુબેર લંકાની ગાદીના હકદાર હતા, તેમને લંકાની ગાદી પ્રાપ્ત થઈ નહીં. તેમજ અન્યાય થતાં તેઓ શિવજીને પ્રસન્ન કરવા શ્રીલંકા છોડીને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે નર્મદા કાંઠે આવીને શિવજીની તપશ્ચર્યા શરૂ કરી હતી.

દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા ત્યારે કુબેરે તેમને ફરિયાદ કરી કે, લંકાની ગાદી મને મળવા પાત્ર હતી છતાં તમે રાવણને ગાદી આપી દીધી. શિવજીએ પ્રસન્ન થઈને કુબેરને કહ્યું હતું કે, ‘રાવણ પણ મારો ભક્ત છે અને તું પણ. તને લંકાની ગાદી ભલે ના મળી પરંતુ તને તેનાથી મોટું પદ આપીશ’. ત્યારબાદ ભોળાનાથે કુબેર ભંડારીને દેવોના ખજાનચી બનાવ્યા હતા. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી નર્મદા કાંઠે જ્યાં કુબેરે તપશ્ચર્યા કરી હતી તે સ્થળ આજે કુબેર ભંડારીના નામથી ઓળખાય છે.

રસોડું ચાલુ કરતા પહેલાં દીવો પ્રગટાવવાય છે
શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે માહિતી પ્રમાણે, કોઈપણ મહાકાર્યના અંતે આપતી મંત્રની પુષ્પાંજલિમાં ઉલ્લેખ છે કે, આજે પણ લગ્ન પ્રસંગે રસોડું ચાલુ કરતા પહેલાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ કે, એવી માન્યતા છે કે, તે પ્રસંગે ભંડારો ખૂટતો નથી. દેવોના ખજાનચી કુબેરના નામે કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. મા જગદંબા અંબે માતા પણ આ મંદિરમાં બિરાજમાન છે. મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે પૂજાય છે.

પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરનું સંચાલન કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. કુબેર ભંડારી મંદિરમાં આવતા ભાવિકો માટે ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે પાર્કિંગ તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ સવારે અને સાંજે અમાસના દિવસે નર્મદા સ્નાન કરી કુબેર ભંડારી દાદાના દર્શન કરી આરાધના કરવામાં આવે તો જીવન સુખદાયી અને ફળદાયી નીવળે છે. કુબેર ભંડારી દાદાની આરાધના પાંચ અમાસ ભરીને કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થયા છે તેવી માન્યતા છે. ત્યારે શ્રાવણ માસના સોમવારે સવારથી દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન માટે ઉમટી પડતા હોય છે.

કેવી રીતે પહોંચી શકાય છે?
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા અમદાવાદ, વડોદરા, ડભોઇ તથા અન્ય સ્થળોએથી બસની સુવિધા છે. આ ઉપરાંત નજીકના અન્ય યાત્રાધામ ચાણોદ/ચાંદોદથી હોડી મારફતે પણ પહોંચી શકાય છે. આશરે પંદરેક મિનિટની આ નૌકા યાત્રાનું ભાડું પાંચથી પંદર રૂપિયા વચ્ચે રહે છે. ચાણોદ અને કરનાળી લગભગ જોડીયા ગામો જેવા હોવાથી મોટેભાગે તેમનું નામ પણ ચાણોદ-કરનાળી એમ જોડે જ લેવામાં આવે છે. વાહનમાર્ગે અહીં પહોંચવા માટે વડોદરાથી ડભોઈ થઇને તિલકવાડા જવાના રસ્તે આ ગામ આવે છે. રસ્તામાં જ્યાં વળવાનું આવે ત્યાં સ્પષ્ટ પાટીયું મારીને દિશાસૂચન કરેલું છે.