December 21, 2024

બગોદરામાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ ખાડામાં ફેંક્યો

મિહિર સોની, અમદાવાદ: બગોદરામાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક પ્રેમી દ્વારા પત્નીને દરરોજ નિહાળતાં જોઈને પતિએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને આવવારું જગ્યાએ મળવા બોલાવીને તેની નિર્મમ હત્યા કરી હતી. બગોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા ભામસરા ગામ નજીક યુવકની હત્યા કરેલી હાલતમાં મળેલા મૃતદેહનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વાત કરીએ તો 13 મેના રોજ ભામસરા ગામની સીમમાં આવેલા બાવળ કાટ પાસે ખાડામાં હત્યા કરેલી હાલતમાં સજય પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો. બગોદરા પોલીસે તપાસ કરતા યુવકને ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ હત્યાને લઈ તપાસ શરૂ કરતાં મૃતકના મોબાઈલ નંબરનાં સીડીઆર, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી પોલીસ મૃતકની પ્રેમિકા સુધી પહોંચ્યા હતા. પ્રેમિકા તેમજ તેના પતિ પ્રહલાદ સોલંકીની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી પ્રહલાદ હત્યાનું ષડયંત્ર રચીને મૃતકને મળવા બોલાવ્યો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો. બગોદરા પોલીસે પ્રહલાદ સોલંકી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પ્રહલાદ સોલંકીની પત્ની સંગીતા મૃતક સંજય પ્રજાપતિ વચ્ચે ભૂતકાળમાં પ્રેમ સબંધ હતો. આરોપી અને તેની પત્ની મોરિયા ગાય બેસન કંપનીમાં નોકરી કરે છે. છેલ્લા પાંચ-છ દિવસથી આરોપી પ્રહલાદ પોતાની પત્ની સાથે ઘરે ભામસરા બ્રિજ નીચે ચાલતા ઘરે જતા હતા. તે સમયે મૃતક સંજય પ્રજાપતિ પત્ની સંગીતાને સતત જોયા કરતો હતો. આવું તે દરરોજ કરતો હતો અગાઉ પ્રહલાદ સોલંકીએ મૃતક સંજયને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ તેમ છતાં મૃતક આરોપીની સામે જ તેની પત્નીને નિહાળ્યા કરતો હતો. જેથી પ્રહલાદે સંજયની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. આરોપી પ્રહલાદે પોતાના ઘરમાં રહેલી છરી અને કટર લઈને મૃતક સંજયને મળવા બોલાવ્યો હતો. જ્યારે બન્ને મળ્યા ત્યારે પ્રેમ સંબંધ અને પત્નીને જોવા બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રહલાદે છરી વડે હત્યા કરી દીધી હતી.

મહત્ત્વનું છે કે આરોપી પ્રહલાદે હત્યા કરીને સંજયનો મૃતદેહ ખાડામાં ફેક્યો હતો અને આજ ખાડામાં પોતાના લોહીવાળા કપડાં ધોઇને પોતે નાહી લીધું હતું. અને સંજયનો મોબાઈલ પાણીમાં ફેંકી અને ગામના તળાવમાં છરી અને ક્ટર ફેંકી દીધું હતું. બંગોદરા પોલીસે આ તમામ વસ્તુ કબજે કરીને હત્યા પાછલ કોઈ સંડોવણી છે કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.