October 31, 2024

શેખ હસીનાની વાપસી અશક્ય! પાર્ટી પર લાગી શકે છે પ્રતિબંધ, આ મામલો નોંધાઈ ફરિયાદ

Sheikh Hasina: બાંગ્લાદેશની હકાલપટ્ટી કરાયેલી પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતો વધુ વધવાની છે. શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની અને તેનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરતી અરજી સોમવારે (19 ઓગસ્ટ) હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની હત્યામાં પક્ષની કથિત સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ સિવાય શેખ હસીના અને તેમના કેબિનેટના ભૂતપૂર્વ સભ્યો સહિત અન્ય 26 લોકો વિરુદ્ધ સોમવારે (19 ઓગસ્ટ) આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICTT) માં કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નોંધણી રદ કરવા વિનંતી
એક સમાચાર એજન્સી અનુસાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન વિદ્યાર્થી વિરોધીઓની સામૂહિક હત્યા માટે અવામી લીગ પર પ્રતિબંધ મૂકવા અને રાજકીય પક્ષ તરીકે તેની નોંધણી રદ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. અરજીમાં તેમણે સંબંધિત અધિકારીઓને પૂર્વ વડા પ્રધાન હસીના (76)ના નામ પર સ્થાપિત સંસ્થાઓના નામ બદલવા અને વિદેશમાં કથિત રીતે જમા કરાયેલા 11 લાખ કરોડ રૂપિયા દેશમાં પાછા લાવવાનો આદેશ આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: કોલકાતા કાંડ બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર, હોસ્પિટલોમાં સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં 25 ટકાનો કરાશે વધારો

અહેવાલો અનુસાર તાજેતરના ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન દરમિયાન માર્યા ગયેલા શહરયાર હસન અલ્વીના પિતા મોહમ્મદ અબુલ હસને શેખ હસીના (76), તેના 27 સાથીદારો અને 500 અજાણ્યા લોકો વિરુદ્ધ ICT તપાસ એજન્સીમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં અન્ય મુખ્ય આરોપીઓ અને ભૂતપૂર્વ પ્રધાનો ઉબેદ ઉલ કાદિર, રાશિદ ખાન મેનન, હસન ઉલ હક ઈનુ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) અબ્દુલ્લા અલ મામુનના નામ સામેલ છે. સરકાર વિરોધી વિદ્યાર્થી આંદોલન વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો અને ભારત આવ્યા હતા.