November 24, 2024

PM મોદી પર અપમાનજનક ટિપ્પણીના મામલામાં શશિ થરૂરને કોર્ટનો ફટકો

Defamation Case: દિલ્હી હાઈકોર્ટે PM નરેન્દ્ર મોદી પર કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને માનહાનિના કેસમાં શશિ થરૂરને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કાર્યવાહીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે કોંગ્રેસ નેતા શશિ થરૂરની અરજી ફગાવી દીધી છે અને અગાઉનો પ્રતિબંધ હટાવવાનો આદેશ પણ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા શશિ થરૂરે વર્ષ 2018માં પીએમ મોદી માટે ‘શિવલિંગ પર વીંછી’ની ટિપ્પણી કરી હતી. શશિ થરૂરના આ અપમાનજનક નિવેદન સામે ભાજપના નેતા રાજીવ બબ્બરે થરૂર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો છે.

શું હતી શશિ થરૂરની માંગ?
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ભાજપના નેતા રાજીવ બબ્બર દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસને રદ કરવાની માંગ કરી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત, હાઈકોર્ટે 27 એપ્રિલ 2019ના રોજ નીચલી અદાલત દ્વારા શશિ થરૂરને જારી કરાયેલા સમન્સ પર પણ રોક લગાવી દીધી હતી. જો કે હવે કોર્ટે શશિ થરૂરની અરજી ફગાવી દીધી છે અને સ્ટે પણ હટાવી દીધો છે.

શું હતું થરૂરનું સંપૂર્ણ નિવેદન?
શશિ થરૂરે કહ્યું હતું કે RSSના એક અજ્ઞાત સૂત્રએ એક પત્રકારને કહ્યું હતું કે મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવા છે. તમે તેમને તમારા હાથથી હટાવી કરી શકતા નથી અને તમે તેમને ચપ્પલથી પણ મારી શકતા નથી. થરૂરે કહ્યું હતું કે જો તમે વીંછીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો તો તમને ડંખ લાગશે, પરંતુ જો તમે શિવલિંગને ચપ્પલ વડે મારશો તો તેનાથી આસ્થાના તમામ પવિત્ર સિદ્ધાંતો નબળા પડી જશે.