News 360
Breaking News

Stock Market Crash: શેરબજાર રેડ ઝોનમાં બંધ, આ 5 કારણોને લીધે તૂટ્યું શેરબજાર

Why Stock Market Crash: ભારતીય શેરબજારમાં વેચાણનું દબાણ વધી રહ્યું છે. ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે તો શેરબજારમાં ભારે ઘટાડો થયો. નિફ્ટી-50 અને સેન્સેક્સ તેમના ઉચ્ચ સ્તરોથી 16% ઘટ્યા છે. સેન્સેક્સ આજે 1414 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 73,198 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 422 પોઈન્ટ ઘટીને 22,122 પર બંધ થયો. ધીમી આર્થિક વૃદ્ધિ, કંપનીઓની ધીમી કમાણી, ટ્રમ્પની ટેરિફ નીતિ અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ જેવા કારણોને લીધે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો ડિસેમ્બર ક્વાર્ટરના જીડીપી ડેટા પર પણ નજીકથી નજર રાખી રહ્યા છે, જે શુક્રવારે સાંજે જાહેર થશે. ચાલો જાણીએ આજે ​​આ મોટા ઘટાડા પાછળના કારણો શું છે.

  • ટેરિફ પર ટ્રમ્પના વલણને લઇને અનિશ્ચિતતા
    ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે કેનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર 25% ટેરિફ 4 માર્ચથી લાગુ થશે. અગાઉ આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવાનો હતો. આ સિવાય ટ્રમ્પે ચીનના સામાન પર 10% ડ્યુટી લગાવી છે અને યુરોપિયન યુનિયનમાંથી આવતા શિપમેન્ટ પર 25% ટેરિફના વચનનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર નીતિઓને લઈને આ અનિશ્ચિતતા ભારતીય બજારમાં અસ્થિરતાનું કારણ બની રહી છે.
  • આઇટી શેરો દબાણ હેઠળ
    શુક્રવારે વિશ્વના શેરબજારો 4 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા. દિગ્ગજ AI કંપની Nvidia અને અન્ય “મેગ્નિફિસિયન્ટ સેવન” વોલ સ્ટ્રીટ મેગા-કેપ શેરોમાં ભારે ઘટાડો થયા પછી ટેકનોલોજી શેરોમાં વધારાનો ફટકો પડ્યો. જેની અસર સ્થાનિક બજાર પર પણ પડી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં આજે સૌથી વધુ 4.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એમફેસિસ સૌથી વધુ 5% થી 6.5% ની વચ્ચે ઘટ્યા હતા.
  • વધતો ડોલર ઇન્ડેક્સ
    ટ્રેડ વૉરની વધતી ચિંતાઓએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો છે, જેના કારણે યુએસ ડોલર મુખ્ય ચલણો સામે અનેક અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે યુએસ ડોલર ઇન્ડેક્સ 107.36 પર પહોંચ્યો હતો. મજબૂત ડૉલર એ ભારત જેવા ઊભરતાં બજારો માટે નકારાત્મક સંકેત છે, કારણ કે તે વિદેશી રોકાણને મોંઘું બનાવે છે, જેના કારણે શેરબજારોમાંથી મૂડી આઉટફ્લો થાય છે.
  • FIIની સતત વેચવાલી
    NSDLના ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 2025માં અત્યાર સુધીમાં ચોખ્ખા ધોરણે રૂ. 1,13,721 કરોડના ભારતીય શેર વેચ્યા છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં FIIએ રૂ. 47,349 કરોડના ભારતીય શેરોનું વેચાણ કર્યું છે. જ્યારે DIIએ રૂ. 52,544 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
  • DII ઉચ્ચ સ્તરે અટકી ગયા
    પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના અવિનાશ ગોરક્ષકરના જણાવ્યા અનુસાર, FII ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે. છતાં, DII એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આગળ આવી રહ્યા નથી જેમ આપણે પહેલા જોતા હતા. DII દ્વારા FIIના વેચાણને પડકારવામાં ન આવવાનું એક મુખ્ય કારણ એ છે કે તેઓ ઊંચા સ્તરે અટવાયેલા છે. DII ઊંચા સ્તરે અટવાયેલા છે, તેથી જ્યાં સુધી તેમને બજારોનું સ્પષ્ટ ચિત્ર ન મળે ત્યાં સુધી તેઓ તેમની સ્થિતિ બદલવાની કોઈ ઉતાવળમાં નથી.