‘અસલી કુંભ તો પૂનમના દિવસે પૂરો થઈ ગયો, અત્યાર સુધી જે ચાલે તે સરકારી કુંભ છે’: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

Prayagraj: પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ હવે સમાપ્ત થઈ ગયો છે. આ દરમિયાન 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સ્નાન સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. સીએમ યોગીએ પણ આ અંગે માહિતી આપી હતી. આજે એટલે કે ગુરુવારે મહાકુંભનો સમાપન કાર્યક્રમ છે, આ દરમિયાન શંકરાચાર્યએ કુંભને સરકારી કુંભ ગણાવ્યો છે.

જ્યોતિર્મથ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભના કાર્યક્રમને સરકારી પ્રસંગ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વાસ્તવિક કુંભ પૂનમના દિવસે જ સમાપ્ત થઈ ગયો છે. કુંભ માઘ મહિનામાં જ થાય છે જે પૂનમના દિવસે પૂર્ણ થાય છે. હવે ત્યાં જે કંઈ ચાલી રહ્યું છે, તે સરકારી કુંભ છે. તેમણે કહ્યું કે માઘ મહિનાની પૂનમના દિવસે બધા ‘કલ્પવાસી’ ત્યાંથી નીકળી ગયા હતા, ત્યારે જ કુંભ પૂર્ણ થયો હતો.

કુંભના સમાપન પર CM યોગીએ શું કહ્યું?
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, પોષ પૂનમથી શરૂ થયેલા મહાકુંભમાં 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી કુલ 45 દિવસમાં 66 કરોડ 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાનનો પવિત્ર લાભ લીધો હતો. આ વિશ્વના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે – અવિસ્મરણીય છે.

આ પણ વાંચો: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા