April 13, 2025

ગીર સોમનાથના કોડીનાર ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધી

અરવિંદ સોઢા, કોડીનાર: કોડીનાર ખાતે મતદાન પૂર્વે કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધી હતી અને તેમાં જણાવ્યું હતું કે, લોકશાહીનો પર્વ એ ચૂંટણી પવિત્ર રીતે યોજાય તે ખૂબ જ સૌ માટે જરૂરી હોય છે. પરંતુ ભાજપ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ પ્રલોભનો આપી અને યેનકેન પ્રકારે ઉમેદવારોને લોભાવવાનું કામ કરાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસના વફાદાર ઉમેદવારો ક્યાંક અપવાદ હોઈ શકે. બાકી મોટાભાગના ઉમેદવારો પ્રલોભનોમાં આવ્યા નથી કે ઝૂક્યા પણ નથી.

પ્રભાસ તીર્થના અને મૂળ દ્વારકા સોમનાથ એ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની ભૂમિ છે. મને આશા છે કે આ વિસ્તારના મતદારો કોંગ્રેસ પક્ષને પસંદ કરશે અને આપણા લોકશાહીના પવિત્ર પર્વને ઉજવશે. નોંધનીય છે કે આજે કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભા પૂર્વે બેનરો લગાવવા બાબતે પણ વિવાદ સર્જાયો હતો.