September 2, 2024

Sensexએ ફરી ઈતિહાસ રચ્યો પહેલી વાર 81,000 પોઈન્ટને પાર, નિફ્ટીમાં પણ બમ્પર ઉછાળો

Share Market: સ્થાનિક શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રારંભિક નબળાઈમાંથી પાછો ફર્યો હતો અને 750 પોઈન્ટ વધીને પ્રથમ વખત 81000ની સપાટી વટાવી ગયો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ 24800ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 81485.9ની તેની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 24,829.35ની સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો.

આ પહેલા શરૂઆતના સત્રમાં વૈશ્વિક બજારોમાં મંદી બાદ સ્થાનિક શેરબજારોમાં પણ ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ 176 પોઈન્ટ અથવા 0.22% ઘટીને 80,540 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી 37 પોઈન્ટ અથવા 0.15% ના ઘટાડા સાથે 24,576 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક રેડ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જ્યારે એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, TCS, HCL ટેક અને ભારતી એરટેલના શેરમાં વૃદ્ધિ સાથે લીલા રંગમાં ટ્રેડિંગ જોવા મળ્યું હતું. 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના નબળા પરિણામોની જાણ કર્યા બાદ એશિયન પેઇન્ટ્સના શેરમાં 3%નો ઘટાડો થયો હતો. બીજી બાજુ, મજબૂત Q1 ડેટા પછી LTI માઇન્ડટ્રીના શેરમાં 3.3%નો વધારો થયો છે.

સેક્ટર મુજબ, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, હેથવે અને નઝારા ટેક્નોલોજીસના શેરમાં નબળાઈને કારણે નિફ્ટી મીડિયા 2.6% ઘટ્યો હતો. નિફ્ટી બેન્ક, ઓટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.