November 26, 2024

‘શિંદેને મહારાષ્ટ્રની બહાર મોકલો, CM માટે નામ ફાઇનલ’: રામદાસ આઠવલે

Maharashtra CM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત બાદ હાલ મુખ્યમંત્રી પદ પર માટે ખેંચતાણ જોવા મળી રહી છે. હજુ સુધી નવા સીએમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે એકનાથ શિંદેને કેન્દ્રમાં લાવવા જોઈએ. એકનાથ શિંદેએ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

પત્રકારો સાથે વાત કરતા રામદાસ આઠવલેએ સૂચન કર્યું હતું કે એકનાથ શિંદે નાયબ CM તરીકે સેવા આપી શકે છે અથવા તેમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવા જોઈએ. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલ સસ્પેન્સ ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ભાજપ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. જો કે, એકનાથ શિંદે આ નિર્ણયથી ખુશ નથી અને તેમના ગુસ્સા પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ ભાજપે એટલી બધી બેઠકો જીતી છે કે તે પણ સહમત નહીં થાય.

રામદાસ આઠવલેએ એકનાથ શિંદેને પણ સલાહ આપી છે કે દેવેન્દ્ર ફડણવીસની જેમ તેઓ પણ બે ડગલાં પાછળ હટી જાય. તેમણે કહ્યું, ‘એકનાથ શિંદે બે ડગલાં પાછળ જવું જોઈએ, જેમ દેવેન્દ્ર ફડણવીસે ચાર પગલાં પાછળ જઈને તેમના નેતૃત્વમાં કામ કર્યું હતું. શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે અથવા કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ચોક્કસપણે આ અંગે વિચાર કરશે. મહાયુતિને શિંદે અને તેમના 57 ધારાસભ્યોની જરૂર છે.