June 28, 2024

કોમર્સ સર્કલ નજીક અનુશ્રી ફલેટના સિક્યુરિટી ગાર્ડ દંપતીના શકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા

મિહિર સોની, અમદાવાદ:  અમદાવાદ શહેરના કોમર્સ સર્કલ નજીક આવેલા અનુશ્રી ફલેટના સિક્યુરિટી ગાર્ડ દંપતીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા છે. સવારે સોસાયટીના રહીશો આવ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ ગણેશ બહાદુર બસનેત અને તેની પત્ની સુમિબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગણેશનો અર્ધ નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેની પત્ની મૃત હાલતમાં મળી હતી. આ ઘટના પહેલાના CCTV ફૂટેજ ચેક કરતા ઝઘડા અને મૃતક ગણેશની અવર જવર જોવા મળી હતી, પરંતુ આ દંપતીનું મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: નર્મદામાં ન્હાવા પડેલા 8 પ્રવાસીઓ ડૂબ્યાં, એકને રેસ્ક્યૂ કરી બચાવ્યો

પોલીસ તપાસમાં આવ્યું કે આ દંપતી મૂળ નેપાળના રહેવાસી છે. 4 મહિના પહેલા જ અનુશ્રી ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયા હતા. બીજી બાજુ, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી ગણેશ માનસિક તણાવમાં હતો. ઘટનાની રાત્રે પણ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાની શકયતા છે. આ દંપતીએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે. તેમજ કોઈ કેફી પીણું પીવાથી મોત થયું છે તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દંપતીના મોત મામલે FSL અને પોસ્ટમોર્ટમના રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્થાનિક રહીશો અને મિત્રો તેમજ પરિવારના સભ્યોના નિવેદનો લઈને તપાસ શરૂ કરી છે.