December 27, 2024

નક્સલવાદીઓ સામે સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 19 નક્સલવાદીઓ ઝડપાયા

Naxalites Arrested: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ કુલ 19 નક્સલવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં 3 નક્સલવાદી કમાન્ડર એવા પણ છે જેમના પર ઇનામની જાહેરાત થઇ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સુકમા જિલ્લાના ભેજજી અને જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા 19 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ 3 નક્સલવાદી કમાન્ડરો પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમની ઓળખ બરસે હડમા (25 વર્ષ), બરસે નાગેશ (20 વર્ષ)અને હેમલા જીતુ (18 વર્ષ) તરીકે કરવામાં આવી છે.

ભંડારપદર ગામના જંગલોમાં કરી ધરપકડ
અધિકારીઓએ જણાવ્યું કે 27 ઓક્ટોબરના રોજ, ભેજજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોમપદ અને ભંડારપદર ગામોની વચ્ચેના જંગલમાં નક્સલવાદીઓની હાજરી અંગેના ઇનપુટ મળ્યા બાદ, જિલ્લા દળ અને CRPFની સંયુક્ત ટીમને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે પોલીસે ભંડારપદર ગામના જંગલોને ઘેરી લીધા અને 5 નક્સલીઓની ધરપકડ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નક્સલવાદીઓ પર આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઇલેક્ટ્રિશિયન પોડિયામ જોગાની હત્યા કરવાનો અને સપ્ટેમ્બરમાં પોલીસ બાતમીદારના આરોપમાં તે જ ગામના ઓયામી પાંડુની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ 3 નક્સલવાદીઓમાંથી તેમની સામે 2022માં 2 પોલીસકર્મીઓની હત્યાનો પણ આરોપ છે.

27 ઓક્ટોબરે 14 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં, 27 ઓક્ટોબરના રોજ, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિ વિશે ઇનપુટ મળ્યા પછી, એક સંયુક્ત ટીમે ઘેરાબંધી કરી અને 14 નક્સલવાદીઓની ધરપકડ કરી. તેમણે માહિતી આપી હતી કે સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા નક્સલવાદીઓ પાસેથી ગનપાઉડર, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે નક્સલવાદીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે રસ્તામાં લેન્ડમાઈન નાખવા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે પોલીસે બુધવારે તમામ નક્સલવાદીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે નક્સલવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સતત વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.