October 19, 2024

સીટ શેરિંગને MVAમાં ઘમાસાણ: NCP-SP સાથે અમારી ચર્ચા પૂર્ણ: રાઉતના દાવાથી કોંગ્રેસ નારાજ

Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં એક મહિના બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. જો કે રાજ્યમાં બેઠકોની વહેંચણીને લઈને મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ‘સૌ સારું’ નથી જણાઈ રહ્યું. શિવસેના (UBT) અને કોંગ્રેસ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે તેમની પાર્ટી અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મહા વિકાસ અઘાડી (MVA)ની ત્રીજી સહયોગી પાર્ટી કોંગ્રેસને નિશાન બનાવવામાં આવી છે. તો, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે કહે છે કે રાઉતના નેતા ઉદ્ધવ ઠાકરે છે.

મહારાષ્ટ્રમાં કોની કોની ટક્કર?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર NDA અર્થાત મહાયુતિ અને INDI ગઠબંધન અર્થાત મહાવિકાસ અઘાડી વચ્ચે ટક્કર થવાની અપેક્ષા છે. આ દરમિયાન, MVA પક્ષોમાં તણાવ ચરમસીમા પર હોય તેમ લાગી રહ્યું છે. એક દિવસ પહેલા જ સંજય રાઉતે ગઠબંધનમાં સીટ વહેંચણીની વાતચીતમાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નિર્ણયો લેવામાં અસમર્થ હોવાનો પણ આરોપ લગાવ્યો.

મહાયુતિ ગઠબંધનના પક્ષો
ભાજપ
શિવસેના (એકનાથ શિંદે)
NCP (અજીત પાવર)

મહા વિકાસ અઘાડી ગઠબંધનના પક્ષો
કોંગ્રેસ
શિવસેના (UBT)
NCP (શરદ પવાર)