October 22, 2024

ગીર સોમનાથમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાયો

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગુજરાતનું સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ વિસ્તારમાં સતત વરસાદે જગતના તાતને રાતા પાણીએ રોવડાવ્યા છે. અહી સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોનો મગફળીનો પાક નાશ થયો છે. ઉનાં કોડીનાર અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતો લણી રહેલા મગફળીનો નાશ થયો છે. જેમાં હવે ફૂગ બાજવાનું શરૂ થઈ ચૂક્યું છે.

વેરાવળમાં નાવાદ્રા, માલ, જિજવા અને કોડીદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકતા ખેડૂતોએ જમીનમાંથી બહાર કાઢેલી મગફળીના પાથરા પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મગફળી પર નહિ પણ અમારા નસીબ પર પાણી ફરી વળ્યુ છે. અહી મગફળીનો પાક હાથ નહિ એટલું જ નહિ પરંતુ અમારા પશુનો વર્ષ ભરનો ચારો પણ હવે નિષ્ફળ ગયો છે. અમારે પશુને નભાવવા પણ મુશ્કેલ બનશે.

ગીરમાં સતત વરસાદ એકાંતરે ખાબકી રહ્યો છે. જેના કારણે મગફળીના પાકને લણવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. વરસાદનાં કારણે પાક ને જમીન બહાર નથી કઢાતો. જે ખેડૂતોએ હિમ્મત કરી છે તેનો પાક નાશ પામ્યો છે. તો બીજા ખેડૂતો જેની મગફળી હજી જમીન અંદર છે તેના માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. હવે જમીન અંદર મગફળીની ઊગવાની શરૂઆત થય ચૂકી છે. કારણ કે ચાર મહિનામાં પાકને લણી લેવાનો હોય છે. પરંતુ, અત્યારે અનેક ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું તેને પાંચ મહિનાનો સમય થવા આવ્યો છે જેના કારણે મગફળી હવે જમીન અંદર જ ઊગવાની શરૂઆત થઈ ચૂકી છે.