June 23, 2024

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ, નદીઓ બે કાંઠે વહી

અમરેલીઃ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોટા ગોખરવલા, દેવભૂમિ દેવળીયા, લાપાળીયા, ચાંદગઢ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેવભૂમિ દેવળીયા ગામના નદી નાળા છલકાયા છે. તેને પગલે દેવળીયા-ગોખરવાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. અમરેલીના દેવભૂમિ દેવળીયા, ગોખરવાળા સહિત ગામોમાં દોઢ કલાકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

અમરેલીના લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયાના આંબા, કણકોટ ગામે ભારે વરસાદ વરસી રહ્યો છે. કણકોટ ગામની શેરીઓ વરસાદને લઈને પાણી-પાણી થઈ ગયા છે. કણકોટના પાદરમાંથી પસાર થતા નદીના વોકળા વહેતા થઈ ગયા હતા. ધોધમાર વરસાદી માહોલ જામતા લીલીયા પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પંથકના વંડા, મેકડા, જેજાદ, વાંશિયાલી, શેલણા ગામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગલીઓ પાણી પાણી થઈ ગઈ હતી.

ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે મુશળધાર મેઘો વરસી રહ્યો છે. ગારિયાધાર તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના નવાગામ, સોળવદરી, મેશનકા, ભંડારીયા ગામમાં વરસાદ વરસ્યો છે. રૂપાવટી, ગણેશગઢ સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ઘણાં વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. શહેરના 80 ફૂટ રોડ, ટાવર ચોક, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે વરસાદને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.