સરખેજ આવાસ યોજનાને 6 વર્ષ, હજુ પઝેશન નહીં; કામ બાકી છતાં BU પરમિશન મળી ગઈ!
મિહિર સોલંકી, અમદાવાદઃ શહેરના સરખેજમાં પ્રજાના પૈસા વેડફાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવાસ યોજનામાં અણઘડ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વટવા, થલતેજ બાદ સરખેજમાં પણ આવાસ યોજનામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે. 6 વર્ષથી સરખેજમાં આવાસો ધૂળ ખાતા જોવા મળ્યા છે.
સરખેજ વિસ્તારમાં આવેલા ગરીબ આવાસ તૈયાર થયેલા ધૂળ ખાતા જોવા મળ્યા છે. વર્ષ 2017માં વર્ક ઓર્ડર આપી અને 2018માં આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે છ વર્ષ થાય છતાં પણ હજુ ગરીબ લોકોને પઝેશન આપવામાં આવ્યું નથી.
નવેમ્બર 2023માં બીયુ પરમિશન મળવા છતાં હજુ નળ-કોક અને પ્લમ્બિંગનું કામ બાકી જોવા મળ્યું હતું. જ્યારે સવાલ ઉભો થાય છે કે, બીયુ પરમિશનના નિયમ મુજબ ફાયર સેફ્ટી ગટર-પાણી દરેક વસ્તુની તપાસ કર્યા બાદ બીયુ પરમિશન મળતી હોય છે.
આ આવાસમાં પ્લમ્બિંગનું કામ બાકી હોવા છતાં તેમણે બીયુ પરમિશન કોણે આપી તે સવાલ ઊભો થાય છે. જ્યારે તૈયાર થયેલા ફ્લેટ છેલ્લા આઠ મહિનાથી માત્ર પ્લમ્બિંગના કામના લીધે અટકી પડ્યા હોય તેવું જોવા મળે છે.