July 7, 2024

“સપને નહિ હકીકત બુંનતે હૈ, તભી તો સબ મોદી કો ચુનતે હૈ” ભાજપ દ્વારા પ્રચાર થીમ લોન્ચ

MODI - NEWSCAPITAL

ભાજપે આજથી 2024ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પાર્ટીની પ્રચાર થીમ “સપને નહિ હકીકત બુંનતે હૈ, તભી તો સબ મોદી કો ચુનતે હૈ” લોન્ચ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપે આ અભિયાનને જનભાવના અનુસાર અપનાવ્યું છે. તેમણે કહ્યું કે આ નવા અભિયાનની થીમ ‘મોદીની ગેરંટી’ છે જેને લોકોમાં સ્વીકૃતિ મળી રહી છે.

ઉલેખનીય છે કે, નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસર પર ડિજિટલ રીતે આયોજિત નવા મતદાતા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે આજે આ કાર્યક્રમ સાથે મોટી સંખ્યામાં દીકરીઓ જોડાયેલી છે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ મહત્વના દિવસે દેશના સૌથી યુવા મતદારોમાં સામેલ થવું પોતાનામાં ઉર્જાવાન છે. હું તમને બધાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વડાપ્રધાને કહ્યું કે, 18 થી 25 વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. તેમણે કહ્યું કે, આ ફેરફારો વચ્ચે તમારે બધાએ સાથે મળીને બીજી જવાબદારી નિભાવવાની છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ભાગ લેવાની આ જવાબદારી છે.

તમારો મત ભારતની દિશા નક્કી કરશે – પીએમ મોદી

વડાપ્રધાને કહ્યું કે આ સમયગાળો બે કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ, તમે બધા એવા સમયે મતદાતા બન્યા છો જ્યારે ભારતનો સુવર્ણ યુગ શરૂ થયો છે. બીજું, આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવશે. આગામી 25 વર્ષ તમારા માટે અને ભારત માટે મહત્વપૂર્ણ છે. આજે જ્યારે દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે, ત્યારે તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા શું હશે. જે રીતે વર્ષ 1947 પહેલા 25 વર્ષ દેશને આઝાદ કરાવવાની જવાબદારી ભારતના યુવાનોની હતી, તેવી જ રીતે 2047 સુધી એટલે કે 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી તમારી છે.

વડાપ્રધાન મોદીએ 500 વર્ષ જૂના સપનાં પણ પૂરા કર્યા – નડ્ડા

અગાઉ તેમના સંબોધનમાં, નડ્ડાએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપણા બધા સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષ્ય સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત રાખ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાએ આ સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા જોઈ છે અને સ્વીકારી છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનીને રહીશું. નડ્ડાએ કહ્યું કે, હું તમામ નવા મતદારોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આવકારું છું, જેઓ લગભગ 5,800 જગ્યાએથી મોટી સંખ્યામાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા છે. નડ્ડાએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આજે લોન્ચ થનારી થીમ સોંગને દેશવાસીઓ સુધી લઈ જવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સપનાઓને વાસ્તવિકતામાં ફેરવી દીધા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્ષો, દાયકાઓ અને 500 વર્ષ જૂના સપનાં પણ પૂરાં કર્યા છે.

આ પણ વાંચો : PM મોદી આજે બુલંદશહરની મુલાકાતે, રૂ. 20,000 કરોડની યોજનાઓ ભેટ આપશે

મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું

વધુમાં નડ્ડાએ કહ્યું કે, મોદી સરકારની પહેલોએ કરોડો સપનાને વાસ્તવિકતામાં ફેરવ્યા છે. યુવાનોએ નોકરીઓ મેળવી છે અને સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિક લોન દ્વારા આત્મનિર્ભર બન્યા છે, ખેડૂતો તેમની પેદાશો આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી શકે છે અને તેમને બિયારણથી લઈને બજાર સુધી સર્વગ્રાહી સમર્થન મળી રહ્યું છે, મહિલાઓનું હવે દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ વધ્યું છે. ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને હવે તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે.