November 23, 2024

સંજય સિંહ અને મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, કોર્ટે ફરી કસ્ટડી વધારી

Delhi Liquor Policy Case: આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી રાહત ન મળી. આ કેસમાં ફરી એકવાર કોર્ટે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી છે. નોંધનીય છે કે શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી પાંચ દિવસ માટે વધારી દીધી હતી, જે આજે જ સમાપ્ત થઈ રહી હતી.

છેલ્લી સુનાવણીમાં કોણે શું દલીલ કરી?
ઇડીએ છેલ્લી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી તેની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.ત્યાં સુધી સિસોદિયાની નિયમિત જામીન અરજી પર વિચાર ન કરવો જોઇએ. બીજી બાજુ સિસોદિયાના હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કોલસા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન પેન્ડિંગ હોવા છતાં ટ્રાયલની કાર્યવાહી ચાલુ રહી હતી.

શું છે સમગ્ર મામલો?
22 માર્ચ 2021ના રોજ મનીષ સિસોદિયાએ નવી લિકર પોલિસીની જાહેરાત કરી હતી અને 17 નવેમ્બર 2021ના ​​રોજ લિકર પોલિસી એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી.નવી લિકર પોલિસી લાવ્યા બાદ સરકાર લિકરના કારોબારમાંથી બહાર આવી ગઇ હતી અને દારૂની બધી જ દુકાનો ખાનગી થઇ ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો હેતુ એ હતો કે તેનાથી માફિયા રાજનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી અને હોબાળો વધી ગયો હતો. 28 જુલાઈ 2022ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી હતી.

અરવિંદ કેજરીવાલને આઠ સમન્સ મોકલવામાં આવ્યું
નોંધનીય છે કે EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી મામલે પૂછપરછ માટે આઠ વખત સમન્સ મોકલ્યા છે. કેજરીવાલ એક વખત પણ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ હાજર થયા નથી, કેજરીવાલે તેને ગેરકાયદેસર અને રાજકીય બદલો પર આધારિત કાર્યવાહી ગણાવી છે.