October 17, 2024

સલમાનનો જીવ જોખમમાં… અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી લોરેન્સ બિશ્નોઈ સાથે કરવા માગે છે વાત

મુંબઈ: તાજેતરમાં જ મહારાષ્ટ્ર એનસીપીના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ સલમાન ખાનનો જીવ જોખમમાં છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ ગેંગે સલમાન ખાનને પણ ધમકી આપી છે. જોકે, મુંબઈ પોલીસે તેની સુરક્ષામાં વધુ વધારો કર્યો છે, ત્યારે હવે તેની પૂર્વ પ્રેમિકા પણ સલમાનના બચાવમાં આગળ આવી છે.

સલમાન ખાન એક સમયે અભિનેત્રી સોમી અલી સાથે રિલેશનશિપમાં હતો. વર્ષ 1999માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. રિલેશનશિપના અંત પછી સોમીએ ક્યારેય સલમાન ખાન વિરુદ્ધ કંઈ કહ્યું નહીં, પરંતુ દરેક વખતે તેના બચાવમાં ઉભી રહી. હવે તાજેતરમાં તેણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ઝૂમ કોલ પર વાત કરવા આમંત્રણ આપ્યું છે. સોમી હાલમાં અમેરિકામાં રહે છે અને મહિલા અધિકાર કાર્યકર્તા બની છે.

લોરેન્સ બિશ્નોઈ માટે લખ્યો મેસેજ
હાલમાં લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં છે. સોમી અલીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લોરેન્સ બિશ્નોઈની તસવીર પોસ્ટ કરી છે. આ સાથે સોમીએ લખ્યું, “આ લોરેન્સ બિશ્નોઈને સીધો સંદેશ છે, હેલો, લોરેન્સ ભાઈ, મેં સાંભળ્યું અને જોયું છે કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો, તેથી હું તમારી સાથે વાત કરવા માંગુ છું. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે થઈ શકે? સમગ્ર વિશ્વમાં અમારી સૌથી પ્રિય સ્થળ રાજસ્થાન છે. અમે તમારા મંદિરમાં પૂજા માટે આવવા માંગીએ છીએ, પરંતુ પહેલા અમે તમારી સાથે ઝૂમ કૉલ કરીએ અને પૂજા માટે કેટલીક બાબતો નક્કી કરીએ, પછી મારા પર વિશ્વાસ કરો આ તમારા લાભ માટે છે. મને તમારો મોબાઈલ નંબર આપો. તમારો ઘણો ઉપકાર રહેશે. આભાર.

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)

સલમાન વતી માફી માંગી
આ પહેલા પણ સોમી અલીએ આ મુદ્દે બિશ્નોઈ સમુદાયને પોતાનો સંદેશ આપ્યો હતો. મે 2024 માં, તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો તમે કોઈને મારવાનો પ્રયાસ કરી રહ્યાં છો અથવા તેના પર બંદૂક તાકી રહ્યા છો, તો તમે તમારી હદ વટાવી રહ્યા છો. હું શિકારને કોઈપણ પ્રકારની રમત તરીકે સમર્થન આપતી નથી, પરંતુ જે ઘટના બની તે ઘણા સમય પહેલા બની હતી. સલમાન 1998માં યુવાન હતો, હું બિશ્નોઈ સમુદાયના વડાને વિનંતી કરું છું કે તે આ ભૂલીને આગળ વધે. તેમના દ્વારા થયેલી ભૂલ માટે હું બધા વતી માફી માંગુ છું, કૃપા કરીને તેમને માફ કરો.

હકીકતમાં, બાબા સિદ્દીકીના મૃત્યુના બીજા જ દિવસે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા તેની જવાબદારી લીધી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન અમને આ યુદ્ધ નથી જોઈતું. અમારે કોઈની સાથે દુશ્મની નથી, પરંતુ જે કોઈ સલમાન ખાન અને દાઉદ ઈબ્રાહિમને મદદ કરે છે તેણે પોતાના હિસાબનું ધ્યાન રાખવું જોઇએ.