January 17, 2025

સૈફ પર હુમલો કરનારો આરોપી બાંદ્રા રેલવે સ્ટેશન પાસે દેખાયો, 35 ટીમ તપાસમાં લાગી

મુંબઈઃ સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. હુમલાખોરે છરી વડે અભિનેતા પર છ વાર કર્યા હતા. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી. હવે તે ખતરાની બહાર છે. પરંતુ હજુ સુધી આ કેસમાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી.

આરોપી સ્ટેશન આસપાસ દેખાયો
મુંબઈ પોલીસ સૈફ પર હુમલો કરનારા વ્યક્તિની તપાસમાં વ્યસ્ત છે. પોલીસે ભલે આરોપીને પકડ્યો ન હોય પરંતુ સીસીટીવી ફૂટેજ દ્વારા તેની ઓળખ થઈ છે. હવે આ મામલે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, હુમલા બાદ શંકાસ્પદ આરોપી બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસની ટીમો હુમલાખોરને વસઈ, નાલાસોપારા અને પાલઘર જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધી રહી છે. સૈફ પર હુમલો કરનારા આરોપીને પકડવા માટે પોલીસે કુલ 35 ટીમો બનાવી છે. જેમાં મુંબઈ ક્રાઈમ દ્વારા 15 ટીમો બનાવવામાં આવી છે અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20 ટીમો બનાવવામાં આવી છે.

આ સિવાય મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના ઘરેથી જૂની તલવાર પણ મળી આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તલવાર જૂની અને પૈતૃક હોવાનું જણાય છે. જે સૈફ અલી ખાનના પરિવારમાંથી હોઈ શકે છે. પરંતુ હજુ સુધી તેમની પાસે આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.

હુમલાખોરને પકડવા માટે પોલીસ તેમના બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. ટેક્નિકલ સપોર્ટ પણ લે છે. મળતી માહિતી મુજબ, CCTV ફૂટેજમાં ચોર લાકડાની લાકડી અને લાંબી હેક્સા બ્લેડ સાથે ભાગતો જોવા મળે છે. આમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આરોપી બ્રાઉન કલરની કોલર્ડ ટી-શર્ટ અને લાલ રૂમાલ પહેરેલો જોવા મળ્યો હતો.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે, સૈફના ઘરેથી ભાગતા પહેલા આરોપીએ કપડાં બદલ્યા હતા. જેહની આયાની ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી. હુમલાખોરે આયાને બંધક બનાવીને 1 કરોડ રૂપિયાની માગણી કરી હતી. પોલીસે ઘરમાં કામ કરતા તમામ સ્ટાફ મેમ્બર, બિલ્ડિંગ ગાર્ડ અને અન્ય લોકોના નિવેદન નોંધ્યા છે.

કરીનાની ફેન્સને અપીલ
સૈફ પર હુમલા બાદ કરીનાએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપારાઝીઓને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે. તેમજ કોઈપણ યોગ્ય ન હોય તેવું કવરેજ ન કરો. તમે લોકો જે રીતે અમારી સુરક્ષાની ચિંતા કરી રહ્યા છો તે અમારા માટે મોટી વાત છે. પરંતુ હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે લોકોની પ્રાઇવસીનું સન્માન કરો. અમને થોડી સ્પેસ આપો.’