November 26, 2024

હુમલામાં સુરક્ષિત ડોનાલ્ડ ટ્રમ્પ, દેશવાસીઓને એકતા જાળવી રાખવા કરી અપીલ

Donald Trump: આજે પોતાના પર થયેલા જીવલેણ હુમલામાં સુરક્ષિત બચી ગયા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશવાસીઓને એકજુટ રહેવાની અપીલ કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે દેશના લોકોએ અમેરિકન તરીકે તેમનું સાચું ચરિત્ર બતાવવું જોઈએ અને મજબૂત અને મક્કમ રહેવું જોઈએ. રવિવારે એક રેલી દરમિયાન ટ્રમ્પ પર હુમલો થયો હતો, પરંતુ સદનસીબે ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શ કરીને નીકળી ગઈ હતી. સિક્રેટ સર્વિસના જવાનોએ હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો.

અમે ડરવાના નથી: ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અકલ્પનીય ઘટનાને માત્ર ભગવાન જ રોકી શકે છે. આ સમયે સૌથી મહત્વની બાબત એ છે કે આપણે એકજૂટ રહીએ અને અનિષ્ટને જીતવા ન દઈએ. ટ્રમ્પે લખ્યું કે ‘અમે ડરવાના નથી અને હિંમતથી પરિસ્થિતિનો સામનો કરીશું.’ ટ્રમ્પની પ્રચાર અભિયાન ટીમે કહ્યું કે હુમલા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે મિલવૌકીમાં માત્ર બે દિવસમાં રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન શરૂ થવાનું છે. આ સંમેલનમાં ટ્રમ્પને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે.

આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય: બાઈડેન 
ટ્રમ્પની ચૂંટણી પ્રચાર અભિયાન ટીમે જણાવ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ મિલવૌકીમાં થનાર કોન્ફરન્સ માટે ખાસ્સા ઉત્સાહિત છે. એવામાં માનવામાં આવે છે કે ટ્રમ્પ હજી પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. ટ્રમ્પ પર હુમલા બાદ રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે અમેરિકામાં આ પ્રકારની હિંસાની કલ્પના ન કરી શકાય. ટ્રમ્પ પરના હુમલાની પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બિલ ક્લિન્ટને પણ નિંદા કરી હતી. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું કે તેમને રાહત છે કે ટ્રમ્પ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા નથી. આપણા દેશમાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી.