July 7, 2024

સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર: સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન

અમદાવાદ:  નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના હોલમાં આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ‘શ્રીરામ મંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક મા. ડૉ. શ્રી જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહ્યાં હતા. ગ્રંથના લોકાર્પણના કાર્યક્રમનો પ્રારંભ વૈદિક પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. સાધના પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ગ્રંથનો પરીચય કરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સાધના સાપ્તાહિકના રાજ ભાસ્કરે કર્યું હતું. કાર્યક્રમના અંતે સાધના પ્રકાશનના ટ્રસ્ટી ભાનુ ચૌહાણે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યાના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રંથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું કે, શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ અને ઉત્સાહ સમગ્ર દેશમાં આજે પણ છે. રામ નામમાં જે ઉત્સાહ છે તે અમીટ છે. રાષ્ટ્રની અસ્મિતા, એકતાનું સ્વરૂપ છે શ્રીરામ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 30-40 વર્ષોમાં લોકોના વિચારોમાં બદલાવ આવ્યો છે. પહેલા સંઘર્ષ વિદેશી આક્રાંતાઓ સાથે હતો, પરંતુ 1947માં મળેલી સ્વાધિનતા બાદનો સંઘર્ષ દિગ્ભ્રમિત એવા પોતાના સ્વાર્થ, અજ્ઞાનને કારણે લખતા, બોલતા ભ્રમ ઉભો કરતા લોકો સાથે હતો. પરંતુ સત્ય જેમ જેમ હિંદુ સમાજની સમજમાં આવતું ગયું તેમ તેમ બધી ભ્રમણાઓ દૂર થઈ જેનું પરિણામ એ આવ્યું કે જ્યારે અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભુમિનો ચૂકાદો આવ્યો ત્યારે સમગ્ર ભારતના લોકોએ વધાવી લીધો.

શ્રીરામ જન્મભુમિ આંદોલનને યાદ કરતા સુનિલજી આંબેકરે જણાવ્યું કે, શ્રીરામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ ઘરઘર અક્ષત નિમંત્રણ પહોચાડવાના કાર્યક્રમમાં 45 લાખથી વધુ કાર્યકર્તાઓ અને આ સિવાય લાખો લોકો સ્વયંભુ અક્ષત વિતરણમાં સહભાગી થયા છે. દેશના પ્રત્યેક ભાગમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ થયો અને 22મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ કોઈપણ ભેદભાવ વગર રામમય થઇ ગયો હતો. વાસ્તવમાં અમે પહેલા દિવસથી જ કહેતા હતા કે ભગવાન શ્રીરામ ભારત કી એકતા કે સૂત્ર હૈ. પહેલા જે સંઘર્ષ થયા તે તો વિદેશી આક્રમણકારીઓ સાથે હતા, પરંતુ સ્વતંત્રતા પછીના સંઘર્ષ પોતાને બુદ્ધિજીવી ગણતા પોતાના સ્વાર્થ ખાતર અમે બીજી વિચારધારામાં માનીએ છીએ એવા હિંદુ સમાજના લોકો સાથે જ હતું. કેટલાક લોકોએ ભારતને ઉત્તર દક્ષિણ એમ ભાગ વચ્ચે વિસંવાદ ઉભો કરવાનો પ્રયાસ કરતા હતા. એવા સમયમાં શ્રીરામ જન્મભુમિ અંદોલને લોકોના માનસમાં પરિવર્તન કરી યુગપ્રવર્તકનું કાર્ય કર્યું છે. એક ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ થયો કે વિશ્વ આગળ ચાલે છે અને ભારત પાછળ જઈ રહ્યું છે, ભારત વિજ્ઞાનવાદી કે અધ્યાત્મવાદી એવો ભ્રમ ઉભો કરવાની કોશિશ થઈ હતી, પરંતુ ભારતે અધ્યાત્મ અને વિજ્ઞાન બંને ક્ષેત્રોમાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને ચંદ્રયાન દ્વારા આપણે સમજાવ્યું કે ભારત પોતાના વિકાસનો રસ્તો પોતાના મૂલ્ય, સંસ્કૃતિ વગેરેને સાથે રાખીને વિજ્ઞાનની સાથે કરી રહ્યુ છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજીએ જણાવ્યું કે, ભગવાન શ્રીરામ ભારતીય સંસ્કૃતિનું મૂર્ત સ્વરૂપ છે. રામ મંદિર ભારતીય સાંસ્કૃતિક વૈશ્વિકતાનો પાયો છે. રાજા પરાક્રમી હોવો જોઈએ, ઋષિઓએ પોતાના તપનું બળ અને સાથે સાથે ધર્મ આપ્યો અને રાજા અને પ્રજા ધર્મને અનુસરે તેનું ધ્યાન રાખ્યુ છે. ધર્મની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે, ધર્મ એટલે કર્તવ્ય અને ભારત ધર્મક્ષેત્ર છે. આવનારી પેઢીમાં કર્તવ્ય પરાયણતા પ્રસ્થાપિત કરીશું તો રામરાજ્ય આવશે.