September 20, 2024

સૂતેલા શખ્સ પર હિચકારો હુમલો કરી હત્યા કરનાર 3ની સાબરમતી પોલીસે કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: સાબમરતીમાં ઝઘડાની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. મંદિરના ઓટલા પર સુતેલા યુવક પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરીને મોતના ઘાટ ઉતારી દીધો. હત્યાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરી લીધી છે.

સાબરમતી પોલીસ દ્વારા અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપૂતની હત્યા કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીએ અમરજીત ચૌહાણ નામના યુવકની ઘાતકી હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 6 જુલાઈના રોજ સાબરમતીમાં ન્યુ રાણીપ નજીક આવેલા મહાકાળી માતાજીના મંદિરના ઓટલા પર અમરજીત ચૌહાણ અને રમાકાંત રાજપૂત સુઈ રહ્યા હતા. ત્યારે, વહેલી સવારે આરોપી અજય ઠાકોર, રાહુલ ચૌહાણ, કાર્તિક રાજપૂત અને પપ્પુ ઠાકોર એક્ટિવા પર આવ્યા અને હથિયારો લઈને સુતેલા અમરજીત પર હુમલો કરી દીધો હતો. આ હત્યાના લાઈવ દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. જ્યારે મંદિર પર સુતેલા રમાકાંત જાગી જતા આરોપીઓ વાહન લઈને ફરાર થઇ ગયા. જ્યારે રમાકાંત અને સ્થાનિક લોકો અમરજીતને સારવાર માટે હોસ્પિટલમાં લઈને ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક અમરજીત અને આરોપીઓ વચ્ચે ઝઘડાની અદાવત ચાલતી હતી. મૃતક અમરજીત મૂળ રાજેસ્થાનનો રહેવાસી છે અને અમદાવાદ માં ચાંદલોડિયામાં રહેતો હતો. થોડા સમય પહેલા બાઇકની ચાવી બાબતે આરોપીઓ અને મૃતક વચ્ચે તકરાર થઈ હતી અને મારામારી થતા મૃતક અમરજીત વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ આરોપીઓ રીઢા કુખ્યાત ગુનેગાર છે. તેમની વિરુદ્ધ અનેક ગુના અને પાસા પણ થઈ હતી.આ આરોપીઓ ઝઘડાનો બદલો લેવા અમરજીતને મારી નાખવાની ધમકી આપતા હતા.જેથી અમરજીત ઝઘડાથી દૂર રહેવા ન્યુ રાણીપમાં પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો.જેની જાણ આરોપીઓને થતા તેમણે અમરજીતની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અને મોડી રાત્રે હથિયારો સાથે એક્ટિવા પર આવીને ઘાતકી હત્યા કરી.

પકડેલા આરોપી અજય ઠાકોર વિરુદ્ધ વાડજ, નારણપુરા અને સોલામાં મારામારી, રાયોટિગ અને ધમકીના 5 ગુના નોંધાયા છે. રાહુલ ચૌહાણ રીઢો કુખ્યાત ગુનેગાર છે.જેની વિરુદ્ધ પણ સોલા, વાડજ અને સાબરમતી માં 8 ગુના નોંધાયા છે. અને પાસા પણ થઈ છે.જ્યારે કાર્તિક વિરુદ્ધ સાબરમતી, સોલા અને નારણપુરા માં 3 ગુના નોંધાયા છે. અને તેની વિરુદ્ધ પણ પાસા કરવામાં આવી છે. આ હત્યાં કેસમાં પપ્પુ ઠાકોર નામનો આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.