June 30, 2024

વેડા ગામે થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, પોલીસે એકની અટકાયત કરી

Sabarkantha vadali veda village blast police detained one accused

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ જિલ્લાના વડાલીના વેડા ગામે બપોરે થયેલા બ્લાસ્ટ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેટરને ટેપ રેકોર્ડરમાં ફીટ કરી મૃતકના ઘરે મોકલાવતા સમગ્ર બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે, આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે આજે બપોર બાદ જીતેન્દ્ર વણઝારાના ઘરે અજાણ્યા રીક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલાવ્યું હતું. જે ખોલતાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અચાનક થયેલા બ્લાસ્ટને પગલે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની 12 વર્ષીય દીકરી ભૂમિકા વણઝારાનું મોત થયું હતું. નાનકડા ગામમાં થયેલા બોમ્બ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા. તેમ જ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. જો કે, ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે રિક્ષાચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જ્યાં રીક્ષાચાલકને એક્ટિવાચાલક દ્વારા બોક્સ આપ્યું હોવાનું ધ્યાને આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણઝારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી છે.

બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાનથી ડેટાનેટર મંગાવ્યા હતા. તેમજ આ ડેટાનેટરને ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવવામાં આવ્યું હતું. જેના પગલે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને પ્લગમાં વાયર નાખતા ધડાકો સર્જાયો હતો. જેના પગલે પિતા-પુત્રીનાં મોત થયા છે. તેમજ અન્ય બે સગીરાઓ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જો કે, સમગ્ર બ્લાસ્ટ માટે મૃતક યુવકની પૂર્વ પ્રેમિકા હોવાના મામલે ધડાકો થયા હોવાનું ખુલ્યું છે. જેમાં આરોપીની પત્નીએ પૂર્વ પ્રેમી હોવાના પગલે આ સંબંધ ન ગમતો હોવાના પગલે હત્યાકાંડ કર્યો હોવાનું સ્વીકારતા તેની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.