સાબરકાંઠાના વડાલીમાં બુટલેગરોનો આતંક, 17 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી છે, તેમજ તાજેતરમાં બુટલેગર સહિત અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર બુટલેગરોનો આતંક જોવા મળ્યો હતો. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસે અન્ય તાલુકાઓની પોલીસની મદદથી 17 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે. તેમજ અન્ય ચાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સાબરકાંઠામાં ઈડરના દરામલી પાસે પાયલોટિંગ કાર સાથે દારૂ ભરેલી ગાડી આવવાની બાતમીના પગલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે મળેલી બાતમીના આધારે ગાડી આવતા પોલીસ એક્શનમાં આવે તે પહેલા બુટલેગરોએ ગાડી મહેસાણા તરફ ભગાવી હતી. જો કે, જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરની ગાડી ઝડપી લેવા તમામ ચાર રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરાવી હતી.
દરામલીથી શરૂ થયેલી આ ચોર પોલીસની રમત વડાલીના જેતપુર સુધી યથાવત્ રહી હતી. દારૂના બુટલેગરોએ સ્થાનિક કક્ષાએ કેટલાય વાહનચાલકો સહિત સ્થાનિક લોકોના જીવ જોખમમાં મૂકી બેદરકારીપૂર્વક પોલીસથી બચવાના તમામ હથકંડાઓ અપનાવ્યા હતા. જો કે, પોલીસે સતત પીછો યથાવત્ રાખતા આખરે 30 કિલોમીટર કરતાં વધુના અંતરે પોલીસ-ચોરનો ખેલ વડાલીના જેતપુર પાસે ખુલ્લા ખેતરમાં વિજયનગર તરફ ભાગી છૂટવા માટે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું હતું. ત્યારે જેતપુર પાસે ગાડી ફસાઈ જતા બે આરોપીઓ ખુલ્લા ખેતરમાં ભાગવા જતા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી હતી. આ સાથે અન્ય પાયલોટિંગ કરનારી ગાડી બારોબાર ભાગી છૂટી હતી. જો કે, પોલીસે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકનારા બુટલેગરો સામે વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. તેમજ અન્ય ફરાર ચાર આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
રાજસ્થાનને જોડતી દૈયા બોર્ડર પરથી ઇનોવા કારમાં લાખો રૂપિયાનો ભારતીય બનાવટી અંગ્રેજી દારુ ગુજરાતમાં લવાઈ રહ્યો હતો. જિલ્લા એલસીબી તેમજ સ્થાનિક પોલીસને બાતમીને આધારે 30 કિલોમીટર સુધી પોલીસકર્મીઓએ જીવ જોખમમાં મૂકી બૂટલેગરોનો પીછો કરી ઝડપી લેવામાં સફળતા મળી છે. બૂટલેગરોની કારની આગળ પાયલોટિંગ કરતી કારમાં સવાર ઇસમો કાર લઇને નાસી ભાગવામાં સફળ રહ્યાં છે. ત્યારે પોલીસકર્મીઓ પીછો કરી રહ્યાં તે દરમિયાન નાકાબંધી પાસે ફરજ બજાવતા પોલિસકર્મી પર દારૂ ભરેલી કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેણે કારણે પોલીસકર્મીને નાનીમોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ જિલ્લાની તેમજ સ્થાનિક એલ.સી.બી પોલીસની મદદથી બે ઇસમોને મુદામાલ સાથે ઝડપી લેવા સફળતા મળી છે.