December 22, 2024

ભાદરવી પૂનમને લઈને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

શામળાજીઃ આજે ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃતૃપ્તિ માટે વિષ્ણુ ભગવાનના દર્શન કરવાનું અનોખું મહત્વ છે.

આજે ભાદરવા સુદ પૂનમ છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળીયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કર્યો છે. ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે. આજના દિવસે અલગ આલગ મનોરથના દર્શન થશે.

ખાસ આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થયો છે. ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે. ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું આગવું મહત્વ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામલજીમાં આવેલા વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભકતો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે.