December 21, 2024

પૈસાની લેતીદેતી મામલે શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ, ત્રણ આરોપીની ધરપકડ

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ હિંમતનગર પાસેના સાબર ડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા હતા. બાદમાં બાળકીને ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી અને બાળકીને સહીસલામત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા. તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બરજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા.

સાઈઠ હજાર રૂપિયાની લેતીદેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાળકીને ઉઠાવીને લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં ત્રણ લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે સાત દિવસના રિમાન્ડની માગ કરી છે. આ સાથે બાળકીને સહીસલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે.