June 30, 2024

નેશનલ હાઇવે-8 પર ગામડી ગામે પશુપાલકનું વાહનની અડફેટે મોત, સ્થાનિકોએ પોલીસની ગાડી સળગાવી

સાબરકાંઠાઃ નેશનલ હાઇવે-8 ઉપર હિંમતનગર નજીક ગામડી ગામના પશુપાલક દૂધ ભરાવી ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા કારચાલકે ટક્કર મારતા ઘટનાસ્થળે તેમનું મોત થયું હતું. જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. તેમજ નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જો કે, પોલીસે 20 જેટલા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ ગાડીને આગ ચાંપી હતી. સેનાના જવાનો આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 ઉપર આજે ગામડી ગામ પાસે અજાણ્યા કારચાલકે પશુપાલકને અડફેટે લેતા 50 વર્ષે બાદરસિંહ પરમારનું મોત થયું હતું. જેના પગલે ગામડી ગામના લોકોમાં રોષ ફેલાયો હતો. છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક ગ્રામજનો અંડરબ્રિજની માગ કરી રહ્યા છે . જો કે, ચાર વર્ષમાં ચાર ભયંકર અકસ્માત સર્જ્યા હતા. આજે ગ્રામ લોકોનો ગુસ્સો આસમાને જતા તેમને નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કર્યો હતો. તેના પગલે બંને તરફ 7 કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી હતી.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

પોલીસે ઘટનાસ્થળે આવી સમજાવટની જગ્યાએ લાઠીચાર્જ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસની કારને પણ આગ લગાડી હતી. આખરે પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અંતે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. હાલમાં રાબેતા મુજબ ટ્રાફિક ડાયવર્ઝન કર્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.